(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25 : દાદરા નગર હવેલીના ખાનવેલ વિસ્તારમાં આવેલી એક કરિયાણાની દુકાનમાં છેલ્લા ઘણાં સમયથી ગુટખા અને અખાદ્ય ગોળનું ગેરકાયદે વેચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ સ્થાનિક રહેવાસીઓ દ્વારા દાનહના ફુડ વિભાગ, એક્સાઇઝ વિભાગ અને પોલીસને કરવામાં આવીહતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ફરિયાદના આધારે આધારે દાનહ એક્સાઇઝ વિભાગ અને પોલીસની ટીમે ખાનવેલ ખાતે આવેલી જલારામ કરિયાણા સ્ટોરમાં જઈ તપાસ કરતા દુકાનમાંથી અખાદ્ય ગોળના 80 બોક્ષ અને 170 કિલો જેટલો નવસારનો જથ્થો મળી આવ્યો હતો, સાથે અંદાજીત એક લાખથી વધુની કિંમતનો વિમલ ગુટખાનો જથ્થો પણ મળી આવ્યો હતો.
અખાદ્ય ગોળ અને નવસારનો જથ્થો એક્સાઇઝ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો અને દુકાનદાર વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે મળી આવેલા ગુટખાના જથ્થાને દાનહ પોલીસે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
