સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની અધ્યક્ષતામાં મોટી દમણ ગવર્નમેન્ટ હાઉસ ખાતે દિવાળી સ્નેહ મિલન સમારંભ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.26 : દિપાવલી પર્વના ઉપલક્ષમાં આજે મોટી દમણના ગવર્નમેન્ટ હાઉસ ખાતે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની અધ્યક્ષતામાં સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના પૂર્વ ધારાસભ્ય અને સંઘપ્રદેશ ભાજપ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલ, દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દાનહના પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ અને શ્રી સીતારામભાઈ ગવળી, દાનહ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી દામજીભાઈ કુરાડા, સેલવાસ ન.પા.ના અધ્યક્ષ શ્રીમતી રજની શેટ્ટી, દમણ ન.પા.ના અધ્યક્ષ શ્રી અસ્પી દમણિયા, દમણ જિ.પં.ના અધ્યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ સહિત જિલ્લા અને નગરપાલિકાના સભ્યો, સરપંચો, હોટલ અને ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ, વિવિધ સમાજના આગેવાનો, સ્વચ્છતા પ્રહરી સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રીપ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ તેમની નવમી દિવાળી છે. છેલ્લા 8 વર્ષમાં દમણ અને દીવે અનેક ચડાવ-ઉતાર જોયા છે. બદલાયેલા દમણની નોંધ પણ લીધી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રદેશના લોકોએ છેલ્લા 8 વર્ષમાં ઉતાર કરતા વધુ ચડાવ જોયો છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ફરી એકવાર હળવી પળમાં પોપટની આગાહીને યાદ કરાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગત 15મી ઓગસ્ટે પોપટે બહાર પાડેલી આગાહી બાદ હવે ફરી 30 નવેમ્બર કે 30 ડિસેમ્બરની આગાહી કરી છે, પરંતુ તેમની આગાહી ખરી પડવાની નથી. ફરી આગાહી કરતા રહેવા જણાવ્યું હતું.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, વાંકદેખાઓની નિર્માણ કરવાની કોઈ ક્ષમતા નથી. તેઓ ફક્ત જોકરની ભૂમિકા ભજવી લોકોને મફતમાં મનોરંજન પુરૂં પાડી રહ્યા છે. તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, પ્રશાસન કોઈના પણ દાબ-દબાણ વગર કામ કરતુ આવ્યું છે અને કામ કરતું રહેવાનું છે.
ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પ્રશાસકશ્રીનું અભિવાદન કર્યું હતું અને પ્રીતિ ભોજનનો આનંદ માણ્યો હતો.