(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.28 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ- દીવાના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર શિક્ષા અંતર્ગત ચેન્જઇંક ફાઉન્ડેશનના સહયોગથી, ઇન્ટરનેશનલ ડિસ્લેક્સિયા જાગૃતિ મહિનાના અવસરે જાગૃતિ લાવવા #Go Red થીમ હેઠળ 27 ઓક્ટોબર 2024ની સાંજથી દમણના આઇકોનિક લાઇટ હાઉસને લાલ રોશનીથી પ્રકાશિત કરાયો છે. અત્રે યાદ રહે કે, ડિસ્લેક્સિયા એ એક પ્રકારની અદ્રશ્ય
વિકલાંગતા છે જેમાં વ્યક્તિને શબ્દો વાંચવામાં, લખવામાં અને બોલવામાં તેમજ શબ્દો યાદ રાખવામાં અને જાળવી રાખવામાં તકલીફ પડે છે. ડિસ્લેક્સિયા તેના અદ્રશ્ય સ્વભાવને કારણે વારંવાર નિદાન થતું નથી.
મોટી દમણ જેટી સ્થિત લાઈટ હાઉસ(દીવાદાંડી)ને લાલ કરવાનો હેતુ વાલીઓને ડિસ્લેક્સિયા વિશે જાગૃતિ લાવવાનો, ગેરસમજોને દૂર કરવાનો અને ડિસ્લેક્સિયા ધરાવતી વ્યક્તિઓ માટે સમજણ અને સમર્થનને પ્રોત્સાહિત કરવાનો છે.
આ સમસ્યાના નિરાકરણ માટે, સંઘપ્રદેશના શિક્ષણ વિભાગે શિક્ષણ સચિવ ડૉ. અરુણ ટી. અને શિક્ષણ નિયામક શ્રી જતીન ગોયલના માર્ગદર્શન હેઠળ સક્રિય પગલાં લીધાં છે.શિક્ષણ વિભાગે સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશમાં 1,300થી વધુ સરકારી શાળાના શિક્ષકો માટે ડિસ્લેક્સિયા ધરાવતા વિદ્યાર્થીઓની ઓળખ અને સ્ક્રીનિંગ પર તાલીમ હાથ ધરી હતી. અદૃશ્ય વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને ઓળખવા માટે શિક્ષણ વિભાગ ચેન્જઇંક સાથે સક્રિયપણે કામ કરી રહ્યું છે.
