(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29: દીપાવલીના પાવન તહેવારની ઉજવણીના ભાગરૂપે માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે રાબડા ગામના નિરાધાર પરિવારો અને વિધવા બહેનોને જીવન જરૂરી ચીજવસ્તુઓની સહાય પૂરી પાડવામાં આવે છે. તહેવારોમાં આ પરિવારો દિવાળીનો પાવન પ્રસંગ આનંદ અને હર્ષભેર ઉજવી શકે તે માટે ધામના સ્થાપક શ્રી મહાપાત્રની પ્રેરણાથી આ ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ અનેક પરિવારોને અનાજ અને અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓની કીટો વિતરણ કરવામાં આવી હતી. તારીખ 29 ઓક્ટોબર, 2024ના મંગળવારના રોજ યોજાયેલા આ વિતરણ કાર્યક્રમમાં ગામના લોકોમાં ખુશીની લહેર દેખાઈ આવી હતી.
વિતરણના આ પ્રસંગે માઁ વિશ્વંભરી તીર્થધામના સ્થાપક શ્રી મહાપાત્ર, ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કિરીટભાઈ ડેડાણીયા, રમેશભાઈ ડોબરિયા, રાબડા ગામના સરપંચ શ્રીમતી કિન્નરીબેન ભદ્રેશભાઈ પટેલ, આગેવાન શ્રી ઠાકોરભાઈ પટેલ, શૈલેશભાઈ પટેલ અને પૂર્વ સરપંચ શ્રી જસવંતભાઈ પટેલે પણ ઉપસ્થિત રહીને સમાજની સેવા માટે તેમના સહયોગ અને સંકલ્પ પ્રત્યે પ્રતિબધ્ધતાદર્શાવી.
માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક કલ્યાણ અને માનવ સેવા માટે અનેક પ્રસંશનીય કાર્ય કરવામાં આવે છે. રાબડા ગામના નિરાધાર પરિવારો માટે ચેરીટેબલ ટ્રસ્ટ જીવન જરૂરી વસ્તુઓ પૂરી પાડે છે, તે ઉપરાંત ગામની દરેક શાળાના બાળકોને નોટબુક તથા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને શૈક્ષણિક સાધનો વિનામૂલ્યે પૂરા પાડે છે, જેથી આ બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે સમાન તકો મળે.
અદભૂત અને અલૌકિક માહોલ ધરાવતું માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ, રાબડા ગામમાં સ્થિત છે, પરંતુ તેનું મહત્વ સમગ્ર વિશ્વમાં વ્યાપ્યું છે. આ ધામ વૈદિક મૂલ્યો, ભક્તિની ઓરીજીનલ પધ્ધતિ અને જીવનના સાચા મર્મને સમજાવતું અનોખું કેન્દ્ર છે, જે ભક્તોને સાચી શાંતિ અને આત્મિક ઉન્નતિ તરફ પ્રવૃત્ત કરે છે. શ્રી મહાપાત્રના માર્ગદર્શન હેઠળ, ભક્તો આ તીર્થસ્થળની યાત્રા કરીને પોતાની અંતરાત્મામાં શાંતિ અને ધન્યતાનો અનુભવ કરે છે. આ તીર્થધામની મુલાકાતે વિશ્વભરથી આવનાર અસંખ્ય ભક્તો માટે આ એક દિવ્ય યાત્રા બની છે, જ્યાં તેઓ આધ્યાત્મિક ઊંચાઈઓનું સ્પર્શ કરી રહ્યાં છે.
