(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવના શ્રમિકોના અધિકાર અને એમના કાર્યના પ્રતિ નિષ્પક્ષતા સુનિヘતિ કરવાના ઉદ્દેશથી પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા લઘુત્તમ મજૂરી અધિનિયમ 1948 મુજબ દૈનિક લઘુત્તમ વેતન સાથે માત્ર રૂા.35 વિશેષ ભથ્થું આપવાની જાહેરાત કરી છે.
સંઘપ્રદેશના વિભિન્ન ઉદ્યોગોમાં કાર્યરત શ્રમિકોના જીવન સ્તરમાં સુધારો લાવી શકાય તથા એમના માટે આર્થિક સુરક્ષા પ્રદાન કરી શકાય તે હેતુથી આ અધિનિયમ અનુસાર પ્રત્યેક શ્રમિકને લઘુત્તમ મજૂરી સિવાય હવે વિશેષ ભથ્થાનો લાભ પ્રાપ્ત થશે. આ ભથ્થું મોંઘવારી, જીવન સ્તરની લાગત અને શ્રમિકોના કાર્યોની વિશેષ આવશ્યકતાને ધ્યાનમાં રાખી નિર્ધારિત કરવામાં આવ્યું હોવાનું દમણના ડેપ્યુટી કલેક્ટર(મુખ્યાલય) અને પ્રાદેશિક પ્રચાર અધિકારી શ્રી પ્રિયાંશુ સિંહની એક અખબારી યાદીમાં જણાવાયું છે. આ વિશેષ ભથ્થું 01 એપ્રિલ 2024થી અમલમાં લાવવામાં આવનાર હોવાનું પણ જણાવાયું છે. દૈનિક લઘુત્તમ મજૂરી દર સાથે 35 રૂપિયા વિશેષ ભથ્થાનો વધારો મળવાસાથે અકુશળ શ્રમિકોને 441 રૂપિયા મિનિમમ મજૂરી અને 35 રૂપિયા ભથ્થા સાથે 476 રૂપિયા મળશે, અર્ધકુશળ શ્રમિકોને 452 લઘુત્તમ મજૂરી સાથે 35 રૂપિયા વિશેષ ભથ્થા સાથે 487 રૂપિયા મળશે અને કુશળ શ્રમિકોને 462 લઘુત્તમ મજૂરી સાથે 35 રૂપિયા વિશેષ ભથ્થા સાથે 497 રૂપિયા પ્રતિદિનના હિસાબે પ્રદેશના શ્રમિકોને મળવાપાત્ર રહેશે.