ફૂડ એન્ડ સેફટી વિભાગ દ્વારા તપાસના નામે થતા તાયફા પણ છાના નહીં રહેતા હવે ‘ખેલ’ કરતા અધિકારીઓ-કર્મચારીઓ ઉપર પ્રશાસને કેન્દ્રિત કરેલી બાજનજર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના ફૂડ એન્ડ સેફટી વિભાગ દ્વારા દિવાળીના તહેવારને લઈ ખાવાની અનેએને લગતી ચીજવસ્તુઓમાં મિલાવટને રોકવા માટે અને લોકોના જીવન સાથે ચેડાં કરી નકલી મીઠાઈ અને અન્ય વસ્તુઓ બનાવવાવાળા પર સિકંજો કસવા માટે સેલવાસ શહેર સહિત અન્ય વિસ્તારની વિવિધ મીઠાઈઓ અને ખાદ્યપદાર્થોનું વેચાણ કરતી દુકાનોમાંથી સેમ્પલો લેવામાં આવ્યા હતા.
આ બાબતે ફુડ એન્ડ સેફટી વિભાગના અધિકારીશ્રીના જણાવ્યા અનુસાર તહેવારની સિઝનમાં આ રીતની તપાસ પ્રક્રિયા ચાલુ રહેશે અને જે કોઈપણ મિલાવટવાળી મીઠાઈ અથવા બીજી વસ્તુઓ વેચશે અને લોકોના જીવન સાથે રમત રમશે તેઓને વિભાગ દ્વારા છોડવામાં આવશે નહિ એવી ચિમકી ઉચ્ચારી હતી.
અત્રે નોંધનીય છે કે, દાનહ ફૂડ એન્ડ સેફટી વિભાગ દ્વારા લોકોના હિતને ધ્યાનમાં લઈને ખાદ્યપદાર્થોની વિવિધ દુકાન-સ્ટોલમાંથી નમૂના તો લેવામાં આવે છે પરંતુ તેનો રિપોર્ટ શું છે તે જાહેર કરવામાં આવતો નથી. ફૂડ એન્ડ સેફટી વિભાગ દ્વારા વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ, ખાદ્ય ચીજવસ્તુઓની દુકાનો વગેરેમાં તપાસના નામે થતા તાયફા પણ હવે લોકો માટે છાના રહ્યા નથી. સંઘપ્રદેશ પ્રશાસન પણ કેટલાક અધિકારીઓ ઉપર બારીક નજર નાખીને બેઠું હોવાની પણ માહિતી મળી રહી છે.