(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : આજે દાદરા નગર હવેલીના વાઘછીપા ગામે સરકારી પ્રાથમિક શાળામાંથી અચાનક ધુમાડો નીકળતો હોવાનું આજુબાજુના સ્થાનિક રહેવાસીઓને નજરે પડયો હતો. જેને લઈ તેમણે તાત્કાલિક સેલવાસ ફાયર વિભાગને ટેલીફોનિક જાણ કરતા ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળો ધસી આવી હતી અને આગ પર કાબુ મેળવાનો સઘન પ્રયાસો કર્યો હતો. ભારે મશકત બાદ આગ ઉપર કાબુ મેળવવા સફળતા મળી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના વાઘછીપા ગામખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં સાંજે પાંચ વાગ્યાના સુમારે અચાનક ધુમાડો નીકળતો હોવાનું ગ્રામજનો દેખાયું હતું. આ જોઈને શાળાના આચાર્ય અને ફાયર વિભાગને તેઓએ ફોન કર્યો હતો. તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈલેક્ટ્રીક વિભાગમાં ફોન કરી પાવર સપ્લાય થોડા સમય માટે બંધ કરાવ્યો હતો. બાદમાં જ્યાં આગ લાગી હતી ત્યાં સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
સંજોગોવસાત હાલમાં દિવાળી વેકેશનના કારણે શાળામાં શિક્ષકો કે વિદ્યાર્થીઓ હાજર ન હતા. જેથી મોટી ઘટના બનતા ટળી હતી અને આ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાની થવા પામેલ નથી. ફાયર વિભાગના અધિકારી દ્વારા આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ જણાવ્યું હતું.