(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ, ખાનવેલ સબ જિલ્લા હોસ્પિટલ, દૂધની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને દાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત દરેક લોકેશન પર ઇ.એમ.ટી. અને પાયલોટ માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 108 એમ્બ્યુલન્સની સેવાનો સંદેશ સાથે પ્રદેશની જનતાને દિવાળીની શુભેચ્છા પાઠવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ માટે 108 પ્રોગ્રામ મેનેજર શ્રી જીતેન્દ્રભાઈ મહારાજ અને ટીમ લીડર અલાઉદીન શેખ દ્વારા એમના સ્ટાફને પણ દિવાળીની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. 24 કલાક અને 365 દિવસ સેવા આપનાર 108ની ટીમ વધુને વધુ લોકોની સેવા કરી લોકોની જિંદગી બચાવવાનું કાર્ય કરે છે. જેઓને પ્રોત્સાહન મળે એના માટે વિવિધ તહેવારો નિમિતે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે.