સરપંચ નિતીન પટેલ જાગૃત યુવાન નિલેશ પટેલ અને કેયુર પટેલ સહિત અન્ય યુવાનોએ જે.સી.બી.થી હાઈવેની મરામત કામગીરી કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: વર્તમાન ચોમાસાએ નેશનલ હાઈવેની બેહાલી સર્જી દીધી હતી. પુરો હાઈવે મોટા મોટા ખાડાઓમાં તબદીલ થઈ ચૂક્યો છે તેથી અવાર નવાર જીવલેણ અકસ્માતો પણ સર્જાતા રહ્યા છે તેવો વધુ એક અકસ્માત ગતરોજ ટીઆરબી જવાનની બાઈક ધમડાચી હાઈવે ઉપર ખાડામાં પટકાતા યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ યુવાનને સુરત સારવાર માટે તાત્કાલિક ખસેડાયો હતો. ગંભીર અકસ્માત બાદ ગુંદલાવના સરપંચ અને જાગૃત યુવાનોએ હાઈવે મરામતની કામગીરી કરી ખાડાઓ પુરા હતા. જે કામ હાઈવે ઓથોરિટીએ કરવાનું છે તે કામ યુવાનોએ કર્યું.
વલસાડ હાઈવે ઉપર ધમડાચી ફલા હોટલ સામેથી ટી.આર.બી. જવાન બાઈક ઉપર શનિવારે પસાર થતો હતો. ત્યારે બાઈક ખાડામાં પટકાતા યુવાન ખુબ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ યુવાનને સારવાર માટે સુરત ખસેડાયો હતો. અકસ્માતોની ગંભીરતાને ધ્યાને લઈ આજે રવિવારે ગુંદલાવ ગામના સરપંચ નિતીન પટેલ, જાગૃત યુવાન નિલેશ પટેલ, કેયુર પટેલ અને અન્ય યુવાનો મળીનેહાઈવે મરામતની કામગીરી આરંભી હતી. જે.સી.બી. વડે ખાડાઓ પુર્યા હતા. તંત્રની જવાબદારી ગ્રામજનોએ અદા કરી હતી. ઘટના અંગે જણાવતા સરપંચ નિતિન પટેલએ જણાવ્યું હતું કે, હાઈવે ઓથોરિટી અને તંત્રને અમે હાઈવે અંગે વારંવાર રજૂઆતો કરી છે પણ કામગીરી થતી નથી તેથી ધારાસભ્ય ભરત પટેલ અને સાંસદ ધવલ પટેલએ ખાસ વહિવટી તંત્રનું ધ્યાન અપાવી હાઈવે પરના ખાડા પુરાવે તેવી ગ્રામજનોની પણ માંગ છે.