થર્ડ ફેઈઝમાં આવેલ અનુપમ કંપની દ્વારા પ્રદૂષિત પાણી ગટરમાં છોડવામાં આવતું હતું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: વાપી ઔદ્યોગિક વસાહત પ્રદૂષણ મામલે વારંવાર ચર્ચામાં રહે છે. કેટલીક કંપનીઓ બેરોકટોક પ્રદૂષણ ફેલાવતી રહે છે તેવી થર્ડ ફેઝમાં કાર્યરત એક કેમિકલ કંપની દ્વારા પ્રદૂષિત પાણી ડ્રેનેજમાં છોડવામાં આવી રહેલું હોવાની વ્યાપક ફરિયાદો બાદ જી.પી.સી.બી. એકશનમાં આવી છે. કંપનીની ડ્રેનેજમાંથી પ્રદૂષિત પાણી ચકાસણી માટે સેમ્પલ લેવામાં આવ્યા છે.
વાપી જી.આઈ.ડી.સી. થર્ડફેઝ વિસ્તારમાં કાર્યરત અનુપમ કેમિકલ કંપની દ્વારા પ્રદૂષિત પાણી ડ્રેનેજમાં બારોબાર નિકાલ કરવામાં આવી રહ્યો હતો. મીડિયા તથા અન્ય લોકોની વ્યાપક ફરિયાદો, અહેવાલો બાદ અંતેજી.પી.સી.બી.એ આળસ ખંખેરીને કંપની દ્વારા ડ્રેનેજમાં છોડાઈ રહેલ પ્રદૂષિત પાણીના સેમ્પલ લેવાયા હતા. આ સેમ્પલો વડી કચેરી ગાંધીનગરમાં મોકલાયા છે. સેમ્પલ રિપોર્ટ બાદ આગામી કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. અલબત્ત હંમેશાં થતું આવ્યું છે તેમ જી.પી.સી.બી. દ્વારા પાછળથી ઢાંકપિછોડો રાબેતા મુજબ કરવામાં આવશે તેવું ઉદ્યોગ વર્તુળોની ચર્ચામાં ચર્ચાઈ રહ્યું છે. કારણ કે જી.પી.સી.બી. દ્વારા સખ્ત કાર્યવાહી અપવાદ કેસોમાં કરવામાં આવી છે તે જગજાહેર છે.