સાયલી ખાતે આવેલ નમો મેડિકલ ઈન્સ્ટિટયૂટ એન્ડ રિસર્ચ સેન્ટરના નિરીક્ષણ બાદ મેડિકલ ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ સાથે કરેલો સંવાદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂની સંઘપ્રદેશ મુલાકાતના આજે બીજા દિવસે તેમનું સેલવાસ આગમન થયું હતું. સેલવાસમાં પ્રદેશવાસીઓએ આનંદ, ઉલ્લાસ અને ઉમંગ સાથે તેમનું સ્વાગત કર્યું હતું.
ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂની સેલવાસ મુલાકાતનો શુભારંભ સાયલી ખાતે આવેલ નમો મેડિકલ ઈન્સ્ટિટયૂટ એન્ડ રિસર્ચ સેન્ટરના નિરીક્ષણ સાથે થયો હતો. જ્યાં તેમણે મેડિકલ ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ સાથે મુલાકાત અને સંવાદ કર્યો હતો. ત્યારબાદ ઝંડાચોક સેલવાસ ખાતે તેમના હાથે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરની ઉપસ્થિતિમાં નવનિર્મિત સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર ઝંડાચોકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મહામહિમ રાષ્ટ્રપતિએ સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિરનુંભ્રમણ પણ કર્યું હતું, અને નાના બાળકોને ચોકલેટ વહેંચી તથા તેમને કેરમ બોર્ડની રમત પણ રમી હતી. મહામહિમ રાષ્ટ્રપતિએ સુંદર વિદ્યા મંદિરના નિર્માણ ઉપર પોતાની પ્રસન્નતા પણ પ્રગટ કરી હતી.
આ કાર્યક્રમ બાદ મહામહિમ રાષ્ટ્રપતિએ નરોલી પંચાયત ઘર તથા પૃથ્વીરાજ ચૌહાણ સ્કૂલ, નરોલીની પણ મુલાકાત લીધી હતી. તેમણે નરોલી પંચાયત ઘર ખાતે સરપંચ અને સભ્યો સાથે ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો.
નરોલી જેવા નાનકડાં ગામમાં રાષ્ટ્રપતિનું આગમન ઐતિહાસિક અને કાયમી સંભારણું બનવા પામ્યું હતું. રાષ્ટ્રપતિના સેલવાસ આગમન ઉપર અહીંના રહેવાસીઓએ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર પણ પ્રગટ કર્યો હતો. કારણ કે, તેમના પ્રયાસો વગર દેશના સર્વોચ્ચ બંધારણીય વડા એવા રાષ્ટ્રપતિનું આગમન શક્ય બનવું સંભવ નહીં હતું.