અજીબો ગરીબ લેખાવાતા આ ઓપરેશનનો તમામ ખર્ચ રોટરી હરિયા હોસ્પિટલે ઉઠાવ્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: તબીબી પ્રેક્ટિશ કે સાયન્સમાં ક્યારેક જટીલ અજીબો ગરીબ ઓપરેશન આવતા હોય છે તેવું જટીલ ઓપરેશન વાપીમાં નિષ્ણાંત સર્જનોએ પાર પાડયું છે. એક પાંચ વર્ષિય બાળક કન્સ્ટ્રકશન સાઈટ ઉપરથી નીચે પટકાતા ગરદનથી માથાના અંદરના ભાગે સળીયો ઘૂસી ગયો હતો. જેને બહાર કાઢી તબીબોએ બાળકને નવજીવન આપ્યું છે.
વાપી રોટરી હરિયા હોસ્પિટલમાં ગત તા.12 ઓક્ટોબરના દિવસે 5 વર્ષિય બાળક આદિત્યને તેના પિતા રવિન્દ્ર રાજભર અત્યંત ટ્રીપીકલ સ્થિતિમાં હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. આદિત્ય ભડકમોરાની એકકન્સ્ટ્રકશન સાઈટ ઉપર બીજા માળેથી રમતા રમતા નીચે પટકાયો હતો. જેમાં આદિત્યને ગરદનના ભાગથી માથામાં સળીયો ઘૂસી ગયો હતો. પિતા બાળકને લોહીલુહાણ હાલતમાં રોટરી હરિયા હોસ્પિટલમાં લઈ ધસી આવ્યા હતા. બાળકની સ્થિતિ અત્યંત નાજુક હતી. નિષ્ણાંત ન્યુરો સર્જન વાસુદેવ ચાંદવાણી અને તબીબી ટીમે તાત્કાલિક ઓપરેશન પ્રક્રિયા હાથ ધરી હતી. ચાર કલાકના ઓપરેશન બાદ તબીબોએ સફળ રીતે સળીયો બહાર કાઢયો હતો. તબીબે જણાવ્યું હતું કે, સળીયો મગજના ડાબા હિસ્સામાં આરપાર નિકળી ગયો હતો. પરંતુ સદનસીબે લોહીની મુખ્ય નસને ઈજા પહોંચી નહોતી. જ્યાં આંખની પણ અમુક નશોનો ભાગ હોય છે. આ ઓપરેશન ખુબ સાવધાની પૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. આજે બાળક સ્વસ્થ છે. સ્વજનો બાળકને ઓપરેશન માટે લાવ્યા ત્યારે તેમની પાસે પૈસા નહોતા. તેથી બાળકને બચાવા ઓપરેશન-દવા સહિતનો તમામ ખર્ચ હોસ્પિટલે પોતે ઉપાડી લીધો હતો. 12 નવેમ્બરે બાળકને રજા આપવામાં આવી હતી.