(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ,તા.20 : બી.સી.સી.આઈ. દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા આંતર રાજ્ય સ્ટેટ સૈયદ મુસ્તાક અલી વ્-20 ક્રિકેટ શ્રેણી 23 નવેમ્બર 2024થી શરૂ થઈ રહી છે, જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના બે યુવા ઓલરાઉન્ડર ખેલાડી શ્રી હેમાંગ પટેલ અને શ્રી ઉમંગ ટંડેલની ગુજરાત ટીમમાં પસંદગી કરવામાં આવી છે.
ગુજરાત તેની પ્રથમ મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં બરોડા સામે રમશે. ગુજરાતની ટીમ સૌરાષ્ટ્ર, ત્રિપુરા, તામિલનાડુ, સિક્કિમ, ઉત્તરાખંડ અને કર્ણાટક જેવી ટીમો સામે વધુ મેચ રમશે. શ્રી હેમાંગ પટેલ અને શ્રી ઉમંગ ટંડેલના કોચ શ્રી ભગુ પટેલે બંને ખેલાડીઓની ગુજરાતની ટીમમાં પસંદગી થતાં ખુશી વ્યક્ત કરી હતી અને તેમને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, આ બંને નવયુવાન ખેલાડી ગુજરાતની ટીમને જીત અપાવવામાં મહત્ત્વનો ફાળો આપશે. ગુજરાત ક્રિકેટ એસોસિએશને પણ શ્રી હેમાંગ પટેલ અને શ્રી ઉમંગ ટંડેલ ઉપર જે ભરોશો મૂક્યો છે તેના પર બન્ને ખરા ઉતરશે એવી આશા રાખી છે. શ્રી હેમાંગ પટેલ અને શ્રી ઉમંગ ટંડેલની પસંદગી થતા સમગ્ર દમણના ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
