વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે એ માટે વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ પુસ્તકોનો લાભ લેવા અનુરોધ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: વલસાડ જિલ્લા સરકારી પુસ્તકાલય ખાતે બુધસભાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત સાહિત્ય, સંગીત અને પ્રકળતિના સંવર્ધન અર્થે જીવન મુલ્યોની વધુ વૃદ્ધિ થાય એ અર્થે સાહિત્યની સરવાણીઓ વહેતી થઈ હતી. આ કાર્યક્રમમાં વલસાડના જાણીતા કવિશ્રી ઉશનસના નાની પુત્રી ચિત્રાબેન પંડ્યા અતિથિ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યાં હતાં.
જિલ્લા સરકારી પુસ્તકાલયના ગ્રંથપાલ લક્ષ્મીબેન પટેલે વાંચનની મહત્વતા, કિંમત, જીવનમાં એનું અદકેરું સ્થાન, પુસ્તકોની અમૂલ્ય ઉપયોગિતા, જાળવણી અને વલસાડ જિલ્લા સરકારી પુસ્તકાલયની ગ્રંથપાલ સપ્તાહ ઉજવણીમાં થયેલા વિવિધ કાર્યક્રમો અને ભવિષ્યમાં આયોજન થયેલા પુસ્તકાલયની પ્રવૃતિનો વિશેષ અહેવાલ રજૂ કર્યો હતો. સરકારની વિવિધ ફરજો સાથે પ્રશિષ્ટ પુસ્તકોના વાંચન થકી વ્યક્તિ વિશેષ વધુ કૌશલ્ય પાંગરે છે એવુ જણાવી ચણવઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ અધિકારી ડૉ.રાધિકા ટીક્કુએ પોતાની સાહિત્ય પ્રીતિ પ્રગટાવી જીવન અને સાહિત્યના અનુબંધ અંગે વધુ પ્રકાશ પાડ્યો હતો. વિદ્વાન મહેશ દેસાઈએ રવીન્દ્રનાથ ટાગોરના કાવ્ય દર્શન અને જીવનમાં પુસ્તકોનું સ્થાન અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી.
આ ઉજવણી દરમિયાન ખાસ કરીને મોબાઈલના યુગમાં વ્યક્તિઓ વાંચન તરફ વિકસે અને પુસ્તકાલયનો વધુ ઉપયોગ વિનિમય કરે એવી ગહન વાતો વક્તાઓ દ્વારા થઈ હતી. આજના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક યુગમાંવિવિધ પરીક્ષાઓની વિશિષ્ટ તૈયારીઓ કરી શકે એ માટે વલસાડ જિલ્લા સરકારી પુસ્તકાલય પાસે વિશાળ શ્રેણીમાં પુસ્તકો ઉપલબ્ધ છે જેનો લાભ લેવા પણ અનુરોધ કરાયો હતો.
સંધ્યાકાળે યોજાયેલા આ કાર્યક્રમમાં ઓફિસ સમય પછી ચણવઈના આયુષ્યમાન આરોગ્ય મંદિરનો દરેક સ્ટાફ પુસ્તકાલયના વાંચક સભ્ય બન્યાં હતા. બુધસભાના તમામ સાથી મિત્રો હાજર રહ્યાં હતાં. આભાર વિધિ જિલ્લા સરકારી પુસ્તકાલયના એકાઉન્ટન્ટ અનિલભાઈ પટેલે કરી હતી. ગ્રંથાલયના સ્ટાફ મારફત આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.