ધરમપુર, કપરાડા અને ઉમરગામના આદિવાસીઓ રેલીમાં જોડાઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: વલસાડમાં આજે શુક્રવારે આદિવાસી સંઘર્ષ મોરચા દ્વારા જમીન સહિતની પડતર માંગણીઓ માટે ધરમપુર, કપરાડા અને ઉમરગામ તાલુકાના આદિવાસીઓએ રેલી કાઢી હતી. રેલી જાહેર માર્ગો ઉપર ફરી કલેક્ટર કચેરીએ પહોંચીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આદિવાસી સંઘર્ષ મોરચાના આગેવાનોએ તેમની માંગણી માટે જણાવ્યું હતું કે, વન અધિકાર કાનૂન 2006 મુજબ આદિવાસીઓને જંગલની જમીન જે આપવાની થાય છે તે અપાઈ નથી. માત્ર બે કે ત્રણ ગુંઠા જમીન આપી સરકાર આદિવાસીઓ સાથે મજાક કરી રહી છે. સરકાર માત્ર મોટી મોટી જાહેરાતો કરે છે પરંતુ વાસ્તવિક કામગીરી થતી નથી. જંગલ જમીનનો મહત્ત્વનો મુદ્દો છે. સાથે વિકાસની વાતો કરે છે. પણ આદિવાસી વિસ્તારોમાં વિકાસ પહોંચ્યો નથી તે સિવાય પશુપાલન યોજના તથા મકાન યોજનાના લાભો અપાતા નથી. ત્રણ પેઢીથી રહેતા હોય તેવા મકાનો નામે કરવા માટે સરકારી તંત્ર અખાડા કરે છે. જે અપ્રાપ્ત કાગળો હોય તેવા કાગળોની માંગણી કરીને આદિવાસીઓને રખડાવામાં આવે છે. સેંકડો લોકોના ઘર નામે થઈ શક્યા નથી. આવી અનેક માંગણી પડતર છે. જેનુંનિરાકરણ નહી થાય તો આગામી સમયે ઉગ્ર આંદોલનની આદિવાસી નેતાઓએ ચિમકી ઉચ્ચારી હતી.