રસિક ઉર્ફે અનિલ રાઉત નામના વ્યક્તિના અડ્ડા પરથી સાત પેટી દારુનો જથ્થો કરાયો જપ્ત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : દાદરા નગર હવેલીના દાદરા ગામે દેમણી રોડ નહેર નજીક કેટલાક ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ ચાલતા હોવાની ફરિયાદ ગામના જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને કરવામાં આવી હતી. જેમાં ગેરકાયદે ધમધમતા દારૂના અડ્ડાઓને કાયમ માટે બંધ કરાવવાની પણ માંગ કરી હતી. જાગૃત નાગરિકની ફરિયાદના આધારે દાનહ એક્સાઇઝ વિભાગ દ્વારા દાદરા નહેર વિસ્તારમાં આવેલ દારૂના અડ્ડા પર રેડ પાડી તપાસ હાથ ધરતા ત્યાંથી ખુલ્લેઆમગેરકાયદેસર દારૂના અડ્ડાઓ ચાલતા હોવાનું ધ્યાને આવ્યું હતું.
દાનહ એક્સાઇઝ વિભાગ અને પોલીસની ટીમ પહોંચી હતી ત્યારે જોવા મળ્યું કે, દારૂના અડ્ડાની બહારથી નેટ લગાવેલી અને અંદરથી ખુલ્લેઆમ ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ ચાલી રહ્યું હતું. જેમાં કેટલાક પિધ્ધડો અડ્ડાની અંદર જ નશામા ધૂત પડેલા નજરે પડયા હતા. દરમિયાન એક અડ્ડાના માલિક રસિક ઉર્ફે અનિલ રાઉત નામના વ્યક્તિના અડ્ડા પરથી સાત પેટી દારુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને અડ્ડાના માલિક સામે કાયદેસરના પગલાં લેવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી હતી. સાથે ગેરકાયદેર ધમધમી રહેલા દારૂના અડ્ડાઓને હટાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી.
હવે સ્થાનિકોની ફરિયાદ બાદ એક્સાઇઝ વિભાગ દ્વારા કાર્યવાહી તો કરવામાં આવી છે પરંતુ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે અડ્ડા બનાવીને બેસેલા લોકો પર પંચાયત દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ગામલોકોનો દ્વારા ઉઠી રહી છે.