નીચું પરિણામ અને ઓછી સંખ્યા ધરાવતી શાળાઓને આવનારી બોર્ડની પરીક્ષા માટે માર્ગદર્શન અપાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લાની સરકારી શાળાઓની શૈક્ષણિક ગુણવત્તાયુક્ત પ્રગતિ થાય તે હેતુથી જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી ટંડેલની અધ્યક્ષતામાં ધરમપુરના જામલીયા ખાતે આવેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે ‘સમર્થ શિક્ષણ સંમેલન’ યોજાયું હતું.
શિક્ષણ નિરીક્ષક ડૉ. બિપીનભાઈ પટેલે સંમેલન અંગેનો હેતુ સ્પષ્ટ કર્યો. ત્યારબાદ ગત માર્ચ-2024 બોર્ડની પરીક્ષામાં અને તાજેતરની પ્રથમ સત્રાંતપરીક્ષામાં 50%થી નીચું પરિણામ મેળવેલ શાળાઓએ પરિણામ અંગેનાં રીવ્યૂ રજૂ કર્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી ટંડેલ દ્વારા તમામ સરકારી શિક્ષકોને શિક્ષકના કર્તવ્ય પરત્વે આંતરિક ચેતના ઢંઢોળતું ઉદ્બોધન આપ્યું હતું. નીચું પરિણામ અને ઓછી સંખ્યા ધરાવતી શાળાઓને યોગ્ય માર્ગદર્શન આપી આવનારી બોર્ડની પરીક્ષા માટે આયોજન સાથે કામ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શિક્ષણ સેમિનારમાં સમગ્ર વલસાડ જિલ્લામાંથી વર્ગ-2 આચાર્યો, મદદનીશ શિક્ષણ નિરીક્ષકો, સરકારી શાળાના શિક્ષકો, જ્ઞાન સહાયકો હાજર રહ્યા હતા. જિલ્લાની કુલ 40 સરકારી શાળાઓના કુલ 180 જેટલા શિક્ષકો માટેના આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય વિમલભાઈ પટેલે સ્વાગત કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.