બી.કે.યુવા મંડળે પદયાત્રા કાર્યક્રમમાં દાનહના પ્રસિદ્ધ તારપા નૃત્યની કરેલી સુંદર પ્રસ્તુતિઃ મંડળને રૂા.61,000ની ધનરાશિ, સ્મારક ચિન્હ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25: ભારત સરકાર રમત-ગમત અને યુવા કાર્યક્રમ બાબતોના મંત્રાલય અંતર્ગત ‘જનજાતીય ગૌરવ દિવસ’ના ઉપલક્ષમાં છત્તીસગઢના જશપુર ખાતે ‘ભગવાન બિરસા મુંડા માટી કે વીર પદયાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નહેરુ યુવા કેન્દ્ર, સેલવાસના બી.કે.યુવા મંડળના 13 જેટલા યુવાઓએ ભાગ લીધો હતો. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં 21 રાજ્યો અને બે સંઘપ્રદેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. દાદરા નગર હવેલીના યુવાઓ માટે આ ગર્વની ક્ષણ હતી કે તેઓ રાષ્ટ્રીય સ્તર પર પોતાના પ્રદેશની સંસ્કૃતિને પ્રસ્તુત કરી શક્યા.
આ અવસરે નેહરૂ યુવા કેન્દ્ર, સેલવાસના બી.કે.યુવા મંડળના યુવાઓએ તારપા નૃત્યની સુંદર પ્રસ્તુતિ કરીને ઉપસ્થિત સૌનુ મન મોહી લીધું હતું. શાનદાર પ્રદર્શન માટે નેહરૂ યુવા કેન્દ્ર, સેલવાસના બી.કે.યુવા મંડળના સભ્યોને રૂા.61,000ની ધનરાશિ,સ્મારક ચિન્હ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સિદ્ધિ બદલ શ્રીમતી મનસા અને નેહરૂ યુવા કેન્દ્ર, સેલવાસના બી.કે.યુવા મંડળના તમામ સભ્યોએ જિલ્લા કલેક્ટરશ્રીને મળીને એમની ઉપલબ્ધિ અંગે જાણકારી આપી હતી. બી.કે.યુવા મંડળની સફળતા પાછળ નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી શ્રીમતી મનસાના નિર્દેશન અને માર્ગદર્શનની મુખ્ય ભૂમિકા રહી હતી. જેઓની પ્રેરણાથી બી.કે.મંડળે આ ઉપલબ્ધિ હાંસલ કરી છે.