પાણીનું કુલર જ્યાં મુકવામાં આવ્યું હતું ત્યાં પાણીનો ભરાવોઃ સદ્નસીબે બાળકનો આબાદ બચાવ થયો હતો પરંતુ આચાર્યના બેદરકારી ભર્યા કારભારને લઈને વાલીઓમાં રોષ
આચાર્યને અગાઉ પણ સૂચના અપાઈ હતી કે જ્યાં કુલર મુકવામાં આવ્યું છે ત્યાં પાણીનો ભરાવો થશેઃ ટીપીઓ વિજયભાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.27: ટાંકલ ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં બુધવારના રોજ સવારે પ્રાર્થના પૂર્ણ થયા બાદ બારેકવાગ્યાના અરસામાં પહેલા ધોરણનો વિદ્યાર્થી ક્રિશ રાકેશભાઈ પરમાર શાળાના વોટર કુલર પાસે પાણી પીવા માટે ગયો હતો ત્યારે નળ પકડતાની સાથે જ તેને જોરદાર વીજ કરંટ લાગતા તે બેભાન થઈ ગયો હતો. જોકે બાળકો અને શિક્ષકો તેને બચાવવા દોડી ગયા હતા અને મેઇન સ્વીચ બંધ કરી દેવામાં આવી હતી.
ક્રિશ પરમારને ટાંકલ સીએસસીમાં પ્રાથમિક સારવાર બાદ ખારેલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ સમયાંતરે વોટર કુલરના વાયરીંગની મરામત સહિતની પૂરતી તકેદારીના અભાવે વોટર કુલરમાં વીજ કરંટ ઉતરતા માસુમ બાળકને કરંટ લાગ્યો હોવા સાથે આચાર્યની બેદરકારી ભર્યા કારભારના આક્ષેપો સાથે સ્થાનિકોમાં રોષ ફેલાઈ જવા પામ્યો હતો.
ટાંકલ ગામની પ્રાથમિક શાળામાં વોટર કુલરમાં બાળકને વીજ કરંટ લાગવાના બનાવમાં શિક્ષણ સમિતિના અધિકારીઓ દ્વારા સમયાંતરે વાયરીંગની ચકાસણી, જરૂરી મરામત આચાર્ય દ્વારા કરાવવામાં આવતી હતી કે કેમ? તે સહિતની બાબતે તટસ્થ તપાસ કરાવી બેદરકારી બહાર આવે તેવામાં જવાબદારી નક્કી કરી આચાર્ય સામે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જોકે શિક્ષણના અધિકારીઓ તપાસ કરાવશે કે પછી ભીનું સંકેલશે તે જોવું રહ્યું.
ટાંકલશાળાના આચાર્ય નમ્રતાબેનના જણાવ્યાનુસાર આજે પ્રાર્થના પૂરી થયા બાદ પાણી પીવા જતા પહેલા પહેલા ધોરણનો વિદ્યાર્થી ક્રિશને વીજ કરંટ લાગતા છોડાવવા હું પણ દોડી ગઈ હતી અને મને પણ કરંટ લાગ્યો હતો. બાળકને ટાંકલ સીએચસીમાં બેઝિક સારવાર કરાવી હતી. પરંતુ બીજા ટેસ્ટો કરાવવા માટે ખારેલ હોસ્પિટલમાં લઈ જતા ત્યાં બીજી કોઈ તકલીફ ન હોવાનું તબીબે જણાવ્યું હતું. પરંતુ નિરીક્ષણ માટે આજે ત્યાં રાખવામાં આવેલ છે.