-
કંપનીના એક કર્મચારી અને ફાયરબ્રિગેડના એક લાશ્કરને થયેલી ઈજાઃ બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે સેલવાસ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
-
10થી વધુ ફાયર ફાઈટરોના વાહનોએ આગ ઓલવવા સંભાળેલો મોરચોઃ પાંચથી છ કલાકની ભારે જહેમત બાદ આગ ઓલવાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27: કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં છેલ્લા કેટલાક દિવસોથી લગાતાર કોઈક ને કોઈક કંપનીમાં આગ લાગવાની ઘટનાઓ અવિરત બની રહી છે. ગત રાત્રિએ પણ મસાટ ગામ ખાતેના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ દાલમિયા પોલી પ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. જેના કારણે કંપની પરિસર તથા આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં કંપનીના એક કર્મચારી અને ફાયર ફાઈટર વિભાગની ટીમના લાશ્કરને ઈજાપહોંચી હતી. જેઓને સારવાર માટે સેલવાસની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના મસાટ ગામ ખાતેના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ દાલમિયા પોલી પ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મંગળવારના મળસ્કે ત્રણ વાગ્યાના સુમારે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. જેના કારણે કંપની તથા તેની આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક ફાયરફાઈટર વિભાગને ટેલીફોનિક જાણ કરતાં સેલવાસ સહિત ખાનવેલથી પણ ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને વિકરાળ બનેલી આગને નિયંત્રણમાં લેવા ભારે પ્રયાસ કર્યા હતા. પરંતુ આગે એટલું વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું કે જેના કારણે જમીન અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. આગ ઔર વધુ પ્રસરતા તેને ઓલવવા માટે રિલાયન્સ, આલોક, વાપી જીઆઇડીસી અને દમણથી 10થી વધુ ફાયર ફાઈટરોના વાહનો બોલાવવામાં આવ્યા હતા અને આગને કાબુમા લેવાનો સખત પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પાંચથી 6 કલાકની ભારે જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવા ફાયરના લાશ્કરોને સફળતા મળી હતી. પરંતુ તે પહેલાં સંપૂર્ણ કંપની આગમાં ભષ્મીભૂત બની ગઈ હતી. આ ઘટનામાં કંપનીમાં કામ કરતા એક કર્મચારીઅને ફાયર વિભાગના એક કર્મચારીને ઈજા પહોંચી હતી. જેઓને સારવાર માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સંઘપ્રદેશના ફાયરફાઈટર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર આ કંપનીમાં આગને કાબુમાં લેવા ભારે તકલીફો વેઠવા પડી હતી. કંપનીમાં ફાયર સેફટીનો પણ અભાવ જોવા મળ્યો હતો અને આગના કારણે મશીનરી તથા કાચા માલને લાખો-કરોડોનું નુકસાન થયું છે. કંપનીમાં ચોક્કસ કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ લગાવી શકવો પણ મુશ્કેલ બન્યો હતો.