-
ભારતનું સંવિધાન લોકોને પોતાના અધિકારોની સાથે ફરજોનું પણ ભાન કરાવે છેઃ મિહિર જોષી -બી.ડી.ઓ.
-
પંચાયતના ત્રણ અમૃત સરોવર ખાતે પણ સંવિધાન દિવસના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમો
-
સરપંચ મુકેશ ગોસાવીએ બંધારણના આમુખનું કરાવેલું પઠન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.27 : 75મા સંવિધાન દિવસના ઉપલક્ષમાં દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા એક વિશેષ ગ્રામસભાનું આયોજન કર્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે દમણના બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર શ્રી મિહિર જોષી ઉપસ્થિત રહ્યા હતા.
દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં આયોજીત સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા દમણના બી.ડી.ઓ. શ્રી મિહિર જોષીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનું સંવિધાન લોકોને પોતાના અધિકારોની સાથે ફરજોનું પણ ભાન કરાવે છે. તેમણે દુનિયાનું સૌથી મોટું લિખિત બંધારણ ભારતનું હોવાનું પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ સંવિધાન દિવસની રૂપરેખા સમજાવી હતી. પ્રશ્નોતરીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ઉપસ્થિત લોકોને બંધારણના આમુખનું પઠનકરાવ્યું હતું.
દમણવાડા ગ્રામ પંચાયત ખાતે આવેલ અમૃત સરોવરો ધોબી તળાવ, ભીમ તળાવ અને બોરિયા તળાવ ખાતે પણ સંવિધાન દિવસના ઉપક્રમે બંધારણના આમુખનું પઠન સરપંચશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કાર્યક્રમની આભારવિધિ ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદે આટોપી હતી અને સંચાલન શ્રી રોહિત ગોહિલે કર્યું હતું. દમણવાડા ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી પર્યંત જાનીના દિશા-નિર્દેશ હેઠળ દમણવાડા ગ્રા.પં.ની સલાહકાર સમિતિના સક્રિય સભ્ય શ્રી અરૂણભાઈ એફ. પટેલ, પંચાયતના સભ્ય શ્રી વિષ્ણુભાઈ, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સુશ્રી વિશાખા પટેલ, ગામના આગેવાનો તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.