સુરતથી સહેલગાહે આવેલા મિત્રોની કાર રસ્તાની બાજુમાં પડેલા પથ્થરોના ઢગ સાથે ટકરાયા બાદ ત્રણ-ચાર પલ્ટી મારતાં 4નાં કમકમાટીભર્યા સ્થળ ઉપર જ થયાં મોતઃ એક ઈજાગ્રસ્ત સારવાર હેઠળ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલ-દૂધની રોડ પર ઉપલા મેઢા ગામની હદમાં પર્યટકોની કારના ચાલકે અચાનક ઘાટ ઉતરતી વખતે સ્ટીયરીંગ ઉપરથી સંતુલન ગુમાવતાં કાર રોડની સાઈડમાં પડેલા મોટામોટા પથ્થરો સાથે ભટકાયા બાદ ત્રણથી ચાર પલટી ખાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારનો ખુડદો વળી ગયો હતો જેના કારણે કારમાં સવાર સુરતના પાંચ પૈકી ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. સ્થાનિક અને રસ્તે આવતા-જતા લોકોએ ગંભીર ઘટનાને જોતાં તાત્કાલિક દોડી જઈને ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા ચાર વ્યક્તિઓની લાશ બહાર કાઢી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરત ખાતે રહેતા (1)સુનિલ કાલિદાસ નિકુંજ નિકુડે (ઉ.વ.24) રહે.વેડ રોડ સુરત, (2)હસમુખ માગોકિયા (ઉ.વ.45), (3)સુજીત પરસોતમ કલાડીયા (ઉ.વ.45), (4)સંજય ચંદુભાઈ ગજ્જર(ઉ.વ.38) અને (5)હરેશ વડોહડીયો (ઉ.વ.38) રહે. વેડ રોડ સુરત જેઓ કાર નં.જીજે-05, જેપી-6705માં સવાર થઈ દાદરા નગર હવેલી મુખ્ય પર્યટન સ્થળ એવા દૂધનીની સહેલગાએ આવ્યા હતા. દૂધની નજીકના ઉપલા મેઢા ગામની હદમાં ઘાટ ઉતરતી વેળા અચાનક કાર ચાલકે સ્ટીયરીંગ પરથી સંતુલન ગુમાવી દેતાં રોડ નજીક પથ્થરના ઢગલા સાથે કાર અથડાયા બાદ ત્રણથી ચાર પલટી ખાતા જીવલેણ અકસ્માત થયો હતો. ગમખ્વાર અકસ્માતના કારણે મેઢા તેમજ આજુબાજુના ગામના આગેવાનો સહિત લોકો દોડી ગયા હતા અને છૂંદો વળેલી કારમાં ફસાયેલા પાંચ વ્યક્તિઓને બહાર કાઢવા કવાયત શરૂ કરી હતી. ભારે જહેમત બાદ એક પછી એક હસુખ, સુજીત, સંજય અનેહરેશની લાશને બહાર કાઢી હતી. જ્યારે ઇજાગ્રસ્ત સુનીલને પણ બહાર કાઢી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાની જાણ દાનહ પોલીસને થતાં તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ(પી.એમ.) માટે હોસ્પિટલમાં મોકલી દીધી હતી.