24 કલાક ઈમરજન્સી સેવા, 4 ઓપરેશન થિયેટર, 19 ઓપીડી, આઈસીયુ, સીટી સ્કેન, લેબ અને બ્લડ બેંકની સેવા કાર્યરત થશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: વાપીના વિકાસમાં વધુ એક યશ કલગી ટુંક સમયમાં ઉમેરાશે. બપીઠા હાઈવે ઉપર ઉપ જિલ્લા હોસ્પિટલ (મીની સિવિલ)ની કામગીરી અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. ટુંક સમયમાં વાપીની જનતા આધુનિક મેડિકલ સારવાર અને સેવા ઉપલબ્ધ થશે. ખાનગી હોસ્પિટલોની ચુંગાલમાંથી છૂટકારો મળશે.
ધારાસભ્ય અને નાણા, ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ 2022ના બજેટમાં વાપીમાં ઉપ જિલ્લા હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી હતી. તે પછી તા.16 ઓક્ટોબરના રોજ સુચિત હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરાયું હતું. નવિન આકાર થઈ રહેલ હોસ્પિટલમાં 113 બેડની ક્ષમતા હશે. 24 કલાક ઈમરજન્સી સુવિધા, 4 ઓપરેશન થિયેટર, 19 ઓપીડી, આઈસીયુ, ફાર્મસી, સીટીસ્કેન, લેબ અને બ્લડ બેન્ક સહિતની આધુનિક તબીબીસેવાઓ ઉપલબ્ધ થશે. આ હોસ્પિટલની કામગીરી ઓક્ટોબર 23માં પુર્ણ કરવાની હતી પરંતુ હજુ સુધી ઈમારતની કામગીરી અંતિમ તબક્કામાં છે. ફનિચર અને ઉપકરણો સાધનો સજ્જ કરવામાં એકાદ વર્ષ લાગી જાય તેવું જણાઈ રહ્યું છે. અલબત્ત વાપીમાં ચાલતી સ્પેશ્યાલિટી કહેવાતી હોસ્પિટલોથી સામાન્ય લોકોનો છૂટકારો થશે તેવી આશા પણ લોકો સેવી રહ્યા છે. એક વાત નોંધનીય છે કે, નાણામંત્રી કનુભાઈ દેસાઈના કાર્યકાળમાં વાપીની કાયાપલટ થઈ રહી છે. અનેક વિકાસ પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. કેટલાક પાઈપલાઈનમાં છે. વાપીના વિકાસ કાર્યોની સુચી લાંબી છે પરંતુ આવનારા સમયમાં વાપી મહાનગરપાલિકામાં આ વિકાસ કાર્યો માઈલસ્ટોન ચોક્કસ બની રહેનારા હશે.