ધરમપુરના આવધા, રાજપુરી, ગોરખડા જેવા ગામોમાં વરસાદ વરસ્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: વલસાડ જિલ્લાના ધરમપુર વિસ્તારના કેટલાક ગામોમાં આજે શુક્રવારે સવારે કમોસમી વરસાદ પડયો હતો. કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળેલુ જોવા મળ્યું હતું.
છેલ્લા બે દિવસથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવેલો જોવા મળી રહ્યો છે. વાદળછાયુ વાતાવરણ થતા ઠંડીનો પારો ઊંચો ચઢયો છે. દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ વરતાઈ રહ્યો છે. આ વાતાવરણમાં આવેલ પલટાને લઈ આજે ધરમપુર વિસ્તરના કેટલાક આવધા, રાજપુરી, ગોરખડા જેવા ગામોમાં ખમોસમી વરસાદ પડયો હતો. શિયાળાનો માંડ પ્રારંભ થયો હતો. ત્યાં ફરી ધરમપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા જેવી અસર જોવા મળી હતી. કમોસમી વરસાદને લઈ ખેતીવાડી ઉપર આડઅસર થશે. ખાસ કરીને શાકભાજી સહિતના અન્ય પાકોને કમોસમી વરસાદ નુકશાન પહોંચાડયુંહોવાથી સ્થાનિક ખેડૂતોને નુકશાન થયું છે. આમ પણ વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ સહિતની કુદરતી આફતો વારંવાર જોવા મળી રહી છે તેથી ખેડૂતોને પારાવાર નુકશાન થઈ રહ્યું છે.