6ઠ્ઠી અને 7મી ડિસેમ્બરે યોજાનારા વિશ્વના સૌથી મોટી ‘રોબોટેક્સ ઈન્ટરનેશનલ ચેમ્પિયનશીપ-2024’માં સંઘપ્રદેશની પાંચ સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની કરાયેલી પસંદગીઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શુભકામના સાથે આપેલા આશીર્વાદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: ‘રોબોટિક્સ મહોત્સવ’ હેઠળ યુરોપિયન દેશ એસ્ટોનિયાની રાજધાની તાલીનમાં આવતીકાલથી યોજાનારા વિશ્વના સૌથી મોટા ‘રોબોટેક્સ ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપ-2024’માં ભાગ લેવા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પાંચ વિદ્યાર્થીઓની સંઘપ્રદેશ પ્રશાસને પસંદગી કરી હતી, જેઓ આજે મુંબઈ યુરોપિયન દેશ એસ્ટોનિયાની રાજધાની તાલિન ખાતે પહોંચ્યા છે.
યુરોપિયન દેશ એસ્ટોનિયાની રાજધાની તાલિનમાં વિશ્વના સૌથી મોટા ‘રોબોટિક્સ મહોત્સવ’ હેઠળ ‘રોબોટેક્સ ઈન્ટરનેશનલચેમ્પિયનશિપ – 2024’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તરફથી ભાગ લેવા માટે વહીવટીતંત્ર દ્વારા પ્રદેશની પાંચ સરકારી પ્રાથમિક શાળાના બાળકોની પસંદગી કરવામાં આવી છે. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પસંદગી પામેલ બાળકોને શુભકામનાઓ અને જરૂરી માર્ગદર્શન સાથે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, કે તેઓ ઉત્કળષ્ટ દેખાવ કરીને સંઘપ્રદેશ અને દેશનું ગૌરવ વધારશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ-2024 આવતી કાલ તા.6થી ડિસેમ્બરથી અને 7મી ડિસેમ્બર દરમિયાન યુરોપિયન દેશ એસ્ટોનિયાની રાજધાની તાલિન ખાતેના અરેનામાં યોજાશે. જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાંથી પાંચ પ્રાથમિક શાળાના પસંદગી પામેલા બાળકોમાં કુ. પૂર્વી પટેલ – સીપીએસ સેલવાસ, (ગુજરાતી માધ્યમ) વર્ગ-5, શિવ યાદવ અને હરેન્દ્ર ઠાકુર – સીપીએસ રખોલી, (અંગ્રેજી માધ્યમ), હરપ્રસાદ સાંઈ – સીપીએસ રીંગણવાડા, દમણ, (અંગ્રેજી માધ્યમ), ડીમ્પલ પાટીલ – સીપીએસ સેલવાસ, (મરાઠી માધ્યમ) વર્ગ-7 અને રિયા ચૌધરી-સીપીએસ દાદરા (અંગ્રેજી માધ્યમ) વર્ગ-7નો સમાવેશ થાય છે.
આ ઐતિહાસિક અવસરે સંઘપ્રદેશના મદદનીશ શિક્ષણ નિયામક શ્રી પરિતોષ શુક્લ અને બ્લોક રિસોર્સપર્સન શ્રી કેયુર ગોહિલે આજે તમામ બાળકોને પુષ્પગુચ્છ, શુભકામનાઓ અને આશીર્વાદ આપીને મુંબઈ એરપોર્ટ દ્વારા યુરોપિયન દેશની રાજધાની એસ્ટોનિયા, તાલિન ખાતે રવાના કર્યા હતા. તેમની સાથે તેમના તામલીમાર્થીઓ શિક્ષકો પણ રવાના થયા છે.
અત્રે યાદ રહે કે, રોબોટેક્સ નામની એસ્ટોનિયન-આધારિત સંસ્થા રોબોટેક્સ ઇન્ટરનેશનલ નામના વાર્ષિક રોબોટિક્સ ફેસ્ટિવલનું આયોજન કરે છે, જ્યાં હજારો એન્જિનિયરો, એક્ઝિક્યુટિવ્સ, વિદ્યાર્થીઓ અને પરિવારો ટેક્નોલોજી ઉદ્યોગના નેતાઓ પાસેથી સાંભળવા, નવા સ્ટાર્ટ-અપ્સની શોધ કરવા, રોબોટ્સ બનાવવા અને નવીનતમ તકનીકની શોધ કરવા માટે એકસાથે ભેગા થાય છે.