(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : દમણની ડિસ્ટ્રિક્ટ અનેસેશન કોર્ટમાં લગભગ છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલ હત્યાના પ્રયાસના કેસમાં આજે ન્યાયાલયે આરોપી વિજય ધુરંધર રાવતને દોષિત ઠેરવી પાંચ વર્ષની કેદ અને પાંચ હજાર રૂપિયાના રોકડ દંડની સજા સંભળાવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ફરિયાદી રંજન શાહુ રહે.રૂમ નંબર 35, સુમનભાઈની ચાલ આંટિયાવાડે 4 નવેમ્બર, 2021ના રોજ નાની દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમની સાથે કંપનીમાં કામ કરનારા વિજય ધુરંધર રાવત રહે. રૂમ નંબર 226, દિલીપભાઈની ચાલ-આંટિયાવાડ અને તમામ મૂળ રહેવાસી ઓરિસ્સા. 03 નવેમ્બર, 2021ની રાતના લગભગ 10:30 વાગ્યે ઘરે આવ્યો હતો. મોડી રાત હોવાના કારણે રંજન અને તેના મિત્ર સરોજે વિજય રાવતને સવારે આવવા કહ્યું હતું. એટલામાં વિજય રાવતે રંજનની સાથે મારપીટ શરૂ કરી હતી. મારમીટ દરમિયાન વિજય રાવતે પોતાના ખિસ્સામાંથી ચાકુ કાઢી રંજનના હાથ અને કમર ઉપર જોરદાર પ્રહાર કર્યો હતો. રૂમમાં ઉપસ્થિત રંજનના મિત્ર સરોજે જ્યારે વચ્ચમાં બચાવવા માટે ગયો ત્યારે સરોજના પેટમાં પણ ચાકુ ઘુસાડી દીધી હતી. આ ઘટનામાં સરોજ ગંભીર રીતે ઘાયલ થયો હતો. રંજનની પત્નીએ કરેલી બૂમાબૂમ સાંભળી ચાલમાલિક પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસેઘટના સ્થળે પહોંચી ગંભીર રીતે ઘાયલ સરોજને સેલવાસની શ્રી વિનોબા ભાવે હોસ્પિટલમાં દાલખ કરાયો હતો.
ઘાયલની ફરિયાદના આધારે નાની દમણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 307 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસે આરોપી વિજય રાવતની ધરપકડ કરી હતી. પોલીસે ઘટનામાં ઉપયોગમાં લેવાયેલ ચાકુ અને આરોપી વિજયના શરીર ઉપર લોહીથી લથપથ કપડાં બરામદ કરી એફ.એસ.એલ. માટે મોકલ્યા હતા. નાની દમણ પોલીસ સ્ટેશનના તત્કાલિન ઈન્ચાર્જ પી.આઈ. શ્રી સોહિલ જીવાણીના નેતૃત્વમાં તપાસ અધિકારી શ્રીમતી ભાવિની હળપતિએ 28 જાન્યુઆરી, 2022ના રોજ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
દમણ ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટમાં લગભગ 3 વર્ષ સુધી ચાલેલા આ કેસમાં પ્રત્યક્ષ સાક્ષી રંજન, સરોજ, રંજનની પત્ની અને ચાલમાલિક સહિત તપાસ અધિકારી, બે ડોક્ટરો મળી કુલ 9 સાક્ષીઓને સાંભળ્યા બાદ આજે ડિસ્ટ્રિક્ટ અને સેશન ન્યાયાધિશ શ્રી એસ.જી.વેદપાઠકે આરોપી વિજય ધુરંધરને હત્યાના પ્રયાસના મામલામાં દોષિત ઠેરવી વિજયને પાંચ વર્ષની કેદ અને રૂા. 5 હજારના દંડની સજા સંભળાવી હતી. આ કેસમાં સરકારી પબ્લિક પ્રોસિક્યુટર શ્રી હરિઓમ ઉપાધ્યયે કરેલી જોરદાર દલીલના કારણે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવા સફળતા મળીહતી.
