બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અમાનવીય અત્યાચારોવિરુદ્ધ વિરમગામ સેવા સદન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વિરમગામ, તા.09
(વંદના નીલકંઠ વાસુકીયા)
ભારતના પડોશી રાષ્ટ્ર બાંગ્લાદેશના તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાનેવિદ્યાર્થી આંદોલન ઉગ્ર બનવાના કારણે વડાપ્રધાન પદ અને પોતાનો દેશ પણ છોડવો પડયો હતો. વિદ્યાર્થી આંદોલનના નામે સત્તા પરિવર્તન કરવામાં આવ્યું અને બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ સમાજ પર વિવિધ પ્રકારે અત્યાચારો પણ શરૂ કરવામાં આવ્યા છે. બાંગ્લાદેશની વર્તમાન સરકાર દ્વારા હિન્દુઓને કોઈપણ પ્રકારનું રક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું નથી અને હિન્દુઓને પરેશાન કરતા લોકોને પ્રોત્સાહન આપતા હોય તેવી વ્હાલા-દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે. હિન્દુ ધર્મના લોકોને યેનકેન પ્રકારે પ્રતાડીત કરીને ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશમાં દિન પ્રતિદિન હિન્દુઓની જનસંખ્યા ઘટી રહી છે અને હિન્દુઓની કત્લેઆમ કરવામાં આવી રહી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર કરવામાં આવી રહેલા અમાનવીય અત્યાચારો વિરુદ્ધ ભારત સહિત દુનિયાભરમાં રહેતા હિન્દુઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં સુથારફળી ચોક ખાતે તારીખ 7 ડિસેમ્બર 2024ને શનિવારના રોજ ‘સકલ હિન્દુ સંઘર્ષ સમિતિ’ દ્વારા વિશાળ હિન્દુ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુથાર ફળી ચોક ખાતે વિરમગામ, માંડલ, દેત્રોજ, નળકાંઠા, સાણંદ, પાટડી અને દસાડા તાલુકા સહિતના સ્થાન પરથી મોટી સંખ્યામાંહિન્દુ ભાઈ-બહેનો હાથમાં બેનર, પ્લે કાર્ડ, ભગવા ધ્વજ, તિરંગા સાથે 3000થી વધું હિન્દુઓ ઉપસ્થિત રહ્યા અને રેલી સ્વરૂપે વિરમગામ તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા. ‘સકલ હિંદુ સંઘર્ષ સમિતિ’ દ્વારા રેલી બાદ બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ‘સકલ હિન્દુ સંઘર્ષ સમિતિ’ દ્વારા સર્વે હિન્દુ ભાઈ-બહેનોને હિન્દુ આક્રોશ રેલીમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર કરવામાં આવી રહેલા અત્યાચારોની વિરુદ્ધમાં વિરમગામના અનેક વેપારીઓ દ્વારા પણ બપોર પછી બંધ પાળવામાં આવ્યો હતો.