રાજસ્થાન ભવનમાં લગ્ન સમારોહ યોજાયો હતો ત્યારે ઘટેલી ઘટના : લગ્નમાં ભાગદોડ મચી

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: વાપી ડુંગરા તળાવની બાજુમાં આવેલ એક લગ્ન મંડપના સામાનના ગોડાઉનમાં મંગળવારે રાત્રે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.
આગના બનાવની વિગતો અનુસાર વાપી સેલવાસ રોડ રાજસ્થાન ભવનની નજીક ડુંગરા તળાવની પાસે એક મંડપ ડેકોરેશનનું ગોડાઉન આવેલું છે. મંગળવારે રાત્રે 10 વાગ્યાના સુમારે રાજસ્થાન ભવનમાં એક લગ્ન સમારોહ ચાલતો હતો તે દરમિયાન જાનૈયાઓએ ફટાકડા ફોડવા શરૂ કર્યા હતા. જેમાંએક ફટાકડો ઉડીને લગ્ન મંડપ (ડેકોરેશન)ના ગોડાઉનમાં પડતા આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ પકડી લીધું હતું. બાજુમાં ચાલી રહેલા લગ્ન સમારોહમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગની જાણ બાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આપી આગ બુઝાવી દીધી હતી. બનાવમાં અન્ય કોઈ ઈજા કે જાનહાની થવા પામી નથી. પરંતુ જાનૈયાના ઉન્માદ અને આનંદ વચ્ચે બનેલા આગના બનાવે લગ્નનો આનંદનો રસ ઉડી ગયો હતો.