-
મહારાષ્ટ્રની સરકારને વસૂલી સરકાર તરીકે ઓળખાવતા દેવેન્દ્ર ફડણવીસ
-
30મી ઓક્ટોબરે એક નંબરના બટનને દબાવી કમળને વોટ આપી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનવા મળેલી તકનો લાભ ઉઠાવવા કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની હાકલ
-
દાનહના પરિવારના પ્રિન્સ દ્વારા લાખો રૂપિયાના બુટ પહેરવામાં આવે છે જ્યારે પ્રદેશનો આદિવાસી કાળી મજૂરી કરતો હોવાથી હવે આ ભેદભાવ દૂર કરવા જાગૃતિનો અવાજ સાયલી થઈ દિલ્હી પહોંચાડવા ઉમેદવાર મહેશભાઈ ગાવિતે કરેલું આહ્વાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26
આજે લોકસભાની દાદરા નગર હવેલી બેઠકની પેટા ચૂંટણી માટે આવેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલાએ ભાજપની તરફેણમાં મતદાન કરવા અપીલ કરી હતી.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, આ પેટા ચૂંટણી કોઈ સામાન્ય ચૂંટણી નથી. પરંતુ આ પ્રદેશનું ભવિષ્ય નક્કી કરનારી લોકસભાની ચૂંટણી છે. આ પ્રદેશના વિકાસમાં ડબ્બલ એન્જિન લગાવવા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથમજબુત કરવા ભાજપના ઉમેદવાર શ્રી મહેશ ગાવિતને જંગી બહુમતિથી જીતાડવા અપીલ કરી હતી.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાના નેતા અને શિવસેનાના ઉમેદવારને ઝપેટમાં લેતા શિવસેનાને લાશોની લહેરો ઉપર ચાલનાર પાર્ટી ગણાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે શિવસેનાને મોદી યાદ આવે છે. ચૂંટણી પુરી થયા પછી અવસરવાદી શિવસેનાને સત્તા યાદ આવે છે. તેમણે મહારાષ્ટ્રની સરકારને સરકાર નહીં પરંતુ વસૂલી સરકાર તરીકે ઓળખાવી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલાએ ચૂંટણી પછી શિવસેના મુઘલોનું કામ કરશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે કોરોનાના ખતરાથી દેશની બહાર લાવવા કરેલા પ્રયાસો પણ લોકો સમક્ષ રાખ્યા હતા અને 100 કરોડથી વધુ લોકોને કોરોનાની રસી આપી મેળવેલી આગવી સિદ્ધિને પણ મંત્રીશ્રી પુરૂષોત્તમ રૂપાલાએ યાદ કરી હતી અને જણાવ્યું હતું કે, 30મી ઓક્ટોબરના રોજ એક નંબર ઉપર કમળનું બટન દબાવી ભાજપને મત આપી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર પ્રગટ કરવાની પણ તક મળી છે. વધુમાં તેમણે પોતાના આગવા અંદાજમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને શિવસેના વચ્ચે ઈલ્લુ-ઈલ્લુચાલી રહ્યું છે. પરંતુ અહીં દાદરા નગર હવેલીમાં કોંગ્રેસ અને શિવસેનાના ઉમેદવારો આમને-સામને ચૂંટણી લડી રહ્યા છે. આથી લોકોને શિવસેના અને કોંગ્રેસને તેમના સંબંધો અંગે સવાલ કરવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે ભાજપના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાવિતે પોતાના જુસ્સાદાર વક્તવ્યમાં જણાવ્યું હતું કે, પરિવારનો પ્રિન્સ મોંઘામાં મોંઘા બુટ પહેરે છે. જ્યારે આદિવાસી સમાજ કાળી મજૂરી કરે છે. તેથી હવે આ જાગૃતિનો અવાજ સાયલી થઈ દિલ્હી પહોંચાડવા તેમણે અપીલ કરી હતી.
આ પ્રસંગે ભાજપના ચૂંટણી રણનીતિકાર શ્રી શંકરભાઈ ચૌધરી, સહ પ્રભારી શ્રી ગણપતભાઈ વસાવા અને શ્રી પિયુષભાઈ દેસાઈ, પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, ગુજરાતના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, સેલવાસ ન.પા.ના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, વરિષ્ઠ નેતા શ્રી ફત્તેહસિંહ ચૌહાણ સહિત દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.