February 13, 2025
Vartman Pravah
Breaking NewsOtherતંત્રી લેખ

જો પંચાયતો જ દમણ-દીવને વિધાનસભા સહિતના ઠરાવો કરતી રહેશે તો એમ.પી.સાહેબ સંસદમાં તમારૂં શું કામ..?

2010થી 2016 સુધી દમણની નાની પંચાયતોને દર વર્ષે રૂા.અઢી કરોડ અને કેટલીક મોટી પંચાયતોને વર્ષે રૂા.25 કરોડ કરતા વધુના ફંડની થયેલી ફાળવણી છતાં પંચાયતો કરતા સરપંચ અને જિલ્લા પંચાયતના સત્તાધિશોનો થયેલો વિકાસ

સંઘપ્રદેશ પ્રશાસનની પાડાની વાંકે પખાલીને ડામ આપવાની નીતિ સુસંગત નથીઃ ચૂંટાયેલી નવી પાંખના હવે માંડ 6-8 મહિના બાકી રહ્યા છે ત્‍યારે વિશ્વાસ રાખવો જરૂરી

બની શકે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ પાસે પોતાની કોઈ મૌલિક આઈડિયા હોય અને પંચાયતને ફાળવેલ ફંડથી વિશેષ કરવાની ક્ષમતા પણ બહાર આવી શકવાની સંભાવના રહેલી છે


દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ દમણ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ‘ડેવલપમેન્‍ટ પ્‍લાન-2025-26′ ‘સબકા સાથ, સબકા વિકાસ’ અંતર્ગત યોજાઈ રહેલ ગ્રામસભાઓમાં ઉપસ્‍થિત રહી ફરી એકવાર પોતાની બેટરી ચાર્જ કરી રહ્યા હોવાનું દેખાય રહ્યું છે. કારણ કે, સાંસદ તરીકે ચૂંટાયાના 6 મહિના પૂરા થવા છતાં તેમણે આપેલા વચનો પૈકીનું એક પણ કામ અત્‍યાર સુધી થયું નથી. તેથી હવે પંચાયતોના અધિકારનો મુદ્દો ઊંચકી સરપંચો અને ગ્રામજનોમાં પોતાનું એક આકર્ષણ પેદા કરવાની તક ઝડપી રહ્યા હોય એવું હાલના તબક્કે તો દેખાઈ રહ્યુંછે.
દમણ અને દીવના બહુમતિ લોકોએ ખુબ જ આશા અને આકાંક્ષાની સાથે શ્રી ઉમેશભાઈ પટેલને પોતાની સમસ્‍યાઓના ઉકેલ માટે દેશની સર્વોચ્‍ચ પંચાયત એવી લોકસભામાં મોકલ્‍યા છે. ચૂંટણી પહેલાં અને ચૂંટણી દરમિયાન તથા ચૂંટણીના પરિણામ આવ્‍યા બાદ ઉત્‍સાહના અતિરેકમાં પ્રજાને આપેલા ભરોસા ઉપર સાંસદ બન્‍યાના 6 મહિના પુરા થવા છતાં પણ તેઓ ખરા ઉતરી શક્‍યા નથી.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે ગ્રામ પંચાયતોની ગ્રામસભામાં દમણ-દીવને વિધાનસભા અપાવવા, દમણ-દીવને વિધાનસભા નહીં મળે તો દમણ-દીવ અને દાદરા નગર હવેલીની પહેલાંની માફક અલગ અલગ કેન્‍દ્ર શાસિત પ્રદેશ તરીકેની ઓળખ જાળવી રાખવા, ટોરેન્‍ટ પાવરને ભગાવવા જેવા ઠરાવો કરવા સૂચનો કર્યા હતા. ત્‍યારે એવો પ્રશ્ન ઉઠે છે કે ગ્રામ પંચાયતના સરપંચોએ જ જો ઠરાવો કરવા હોય તો સાંસદ તરીકે તમારી શું ભૂમિકા રહેવાની? સાંસદ તરીકે દમણ-દીવના બહુમતિ લોકો એવી આશા અને આકાંક્ષા રાખી રહ્યા છે કે, શ્રી ઉમેશભાઈ પટેલ પોતાની વાક્‌છટાથી જે રીતે લોકોને ગુમરાહ કર્યા તે રીતે સમસ્‍યાનું સમાધાન પણ કરશે. પરંતુ 6 મહિના પુરા થવાથી લોકોને હવે પોતે છેતરાયા હોવાનું ભાન થવા લાગ્‍યું છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે, સંઘપ્રદેશ પ્રશાસનને જિલ્લા પંચાયત અને સરપંચોની સત્તાખેંચી લેવાની ફરજ કેમ પડી તે બાબતે સાંસદશ્રી એક પણ શબ્‍દ ઉચ્‍ચારતા નથી. 2010થી 2016 સુધી નાની ગ્રામ પંચાયતોને દર વર્ષે લગભગ બે થી અઢી કરોડનું ફંડ અને નાની દમણની કેટલીક મોટી ગ્રામ પંચાયતોને વર્ષે રૂા.25 કરોડ કરતા વધુના ફંડની ફાળવણી પણ જે તે વખતે પ્રશાસન દ્વારા કરવામાં આવેલી હોવાની જાણકારી મળી છે.
હવે એક ગ્રામ પંચાયતમાં દર વર્ષે અઢી કરોડની સરેરાસ ગણવામાં આવે તો પાંચ વર્ષમાં ઓછામાં ઓછા 12 કરોડ 50 લાખ જેટલા રૂપિયા ગામના વિકાસ માટે આપવામાં આવતા હતા. આ 2010થી 2016 સુધી દરેક પંચાયતનો કેવો વિકાસ થયો તે લોકોની સામે છે. આજે સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે કચીગામ ગ્રામ પંચાયતનું તેમના મોઢે જ દૃષ્‍ટાંત અપાયું હતું. ત્‍યારે કચીગામ ગ્રામ પંચાયતના રસ્‍તા પણ પંચાયત ફંડથી જે તે વખતે નહીં બન્‍યા હોવાનું દેખાય છે. આવી બધી પરિસ્‍થિતિઓના કારણે સંઘપ્રદેશ પ્રશાસને ચૂંટાયેલા સત્તાધિશોની સત્તા ઉપર કાતર ફેરવી હોવાનું પ્રતિત થાય છે.
અમારૂં આ તબક્કે સ્‍પષ્‍ટ માનવું છે કે, જેમણે પણ ગોબાચારી કરી હોય તેમની સામે સંઘપ્રદેશ પ્રશાસને આકરા પગલાં લેવાની જરૂરિયાત હતી. પાડાના વાંકે પખાલીને ડામ આપવાની થયેલી કોશિષ અવશ્‍ય વખોડવાપાત્ર છે. કારણ કે, ભારતનો આત્‍મા ગામમાં વસે છેઅને ગામનો વહીવટ ગ્રામસભાને આધિન હોય છે. તેથી ચૂંટાયેલા સરપંચો, જિલ્લા પંચાયતના સભ્‍યો તથા કાઉન્‍સિલરોને પોતાના વિસ્‍તારમાં ગામલોકોની જરૂરિયાત પ્રમાણે વિકાસ કરવા માટે તક આપવી જરૂરી છે.
નવી ચૂંટાયેલી પાંખને 4 વર્ષ પૂર્ણ થઈ ચુક્‍યા છે. હવે માંડ 6-7 મહિનાનો સમયગાળો બાકી રહ્યો છે. જૂન-2025 બાદ ચૂંટણીના પડઘમ સંભળાવાની શરૂઆત થઈ જશે. તેથી આ બાકી રહેલા 6-7 મહિનામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામની જરૂરિયાત અને પોતાની આવડત પ્રમાણે વિકાસના કામો કરે તે સમયની માંગ છે અને તે માટે પ્રશાસન દ્વારા જરૂરી ભંડોળની ફાળવણી પણ કરવી જોઈએ તથા જો કોઈ જન પ્રતિનિધિ ગેરરીતિ કે ગોબાચારી કરે તો તેની સામે અસરકારક કાનૂની પગલાં લઈ તેમને બોધપાઠ મળે એવી સજા કરવી પણ જરૂરી છે, સાથે ચૂંટાયેલી પાંખ ઉપર પણ વિશ્વાસ કેળવવાની આવશ્‍યકતા છે.

Related posts

દીવના વણાંકબારા બસ સ્‍ટેન્‍ડ નજીક 7 મકાનની સાઈડ દિવાલોનું કરાયું ડિમોલીશન

vartmanpravah

પિપરિયા પર હુમલો …બધાની નજર સિલવાસાથી આવતા રસ્‍તા તરફ સ્‍થિત થઈ

vartmanpravah

પારડીના અનેક મંડળોએ નવ દિવસ બાદ બાપ્‍પાને આપી વિદાય: સમગ્ર પારડી નગર ગણેશ વિસર્જનના રંગે રગાયું

vartmanpravah

એપ્રિલથી નવા મકાનોમાં સ્કવેર ફૂટ 400-500નો ભાવ વધારો : વલસાડ જિલ્લા બિલ્‍ડર એસો.ની જાહેરાત

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે આઝાદી કા અમૃત મહોત્‍સવ ‘‘મેરી મિટ્ટી મેરા દેશ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આઇ.સી.ડી.એસ. વલસાડના ઘટક-૧ ના ભદેલી જગાલાલા સેજામાં રોટરી કલબ ઓફ વલસાડ તરફથી ૩૫ સર્ગભા માતાઓને પોષણકીટનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment