દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલની કચીગામ ગ્રા.પં.ની ગ્રામસભામાં સીધી વાત દમણના સરપંચો, જિલ્લા પંચાયત કે નગરપાલિકા પાસે કોઈ સત્તા જ નથી તો લોકોના કામ તેઓ કેવી રીતે કરી શકવાના?
દિલ્હી ખાતે દમણ-દીવ અને દાનહના લોકો માટે કરોડો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલ યુ.ટી. ભવન પ્રાઈવેટ હોટલને આપી દેવાયું છે અને આ યુ.ટી. ભવનની હોટલમાં વીકએન્ડમાં રૂા.16 હજાર અને આડા દિવસે 8 થી 9 હજાર રૂપિયા લેવાતા હોવાનો સાંસદ ઉમેશભાઈ પટેલનો આરોપ
કચીગામ ગ્રામ પંચાયતમાં ‘જીપીડીપી-2025-26′ અંતર્ગત યોજાયેલ ગ્રામસભા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : ‘ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન-2025-26′ ‘સબકા સાથ, સબકા વિકાસ’ અંતર્ગત કચીગામ ગ્રામ પંચાયતમાં સરપંચ શ્રી ભરતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ગ્રામસભામાં ખાસ ઉપસ્થિત રહેલા દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે ગ્રામ પંચાયતોમાં નહીં થઈ રહેલા કામો માટે સંઘપ્રદેશ પ્રશાસનને જવાબદાર ઠેરવતાં જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે સરપંચો પાસે કોઈ સત્તા જ નથી તો ગ્રામજનોના કામો તેઓ કેવી રીતે કરી શકવાના?
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે કચીગામ ગ્રામ પંચાયતની પ્રશંસા કરતાજણાવ્યું હતું કે, આ પહેલી ગ્રામસભા એવી છે કે, જેમાં તમામ સ્થાનિક લોકો બેસેલા છે. જ્યારે અન્ય ગ્રામ પંચાયતોમાં બહારથી ફેક્ટરી કે ચાલીમાંથી લોકોને લાવી બેસાડવા પડે છે. જેનું કારણ એ છે કે લોકો ગ્રામસભામાં આવે, બોલે પરંતુ તેમના કોઈ કામ નહીં થતા હોવાથી હવે આવવાનું જ છોડી દીધું છે. શ્રી ઉમેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઘર, મકાન, દુકાન તૂટે છે તેનું કારણ પણ જિલ્લા પંચાયત, નગરપાલિકા અને ગ્રામ પંચાયતના છીનવાઈ ગયેલા પાવરનું છે.
દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે કચીગામ ગાર્ડનના બ્યુટિફિકેશનનો મુદ્દો ઉઠાવતાં જણાવ્યું હતું કે, કચીગામના સરપંચ પોતાના વક્તવ્યમાં બોલી ગયા કે ગાર્ડનના ડેવલપમેન્ટ માટે તેમણે રજૂઆત કરેલી પરંતુ સરપંચ ભરતભાઈએ ગાર્ડનને કોઈ પ્રાઈવેટ પાર્ટીને આપી દેવા માટે તો રજૂઆત નહીં કરી હશે. દમણ અને દીવનું સરકારી સરકિટ હાઉસ પણ પ્રાઈવેટ પાર્ટીને આપી દેવાયું હોવાનું જણાવી તેમણે દિલ્હી ખાતે દમણ-દીવ અને દાદરા નગર હવેલીના લોકો માટે કરોડો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલ યુ.ટી. ભવન પ્રાઈવેટ હોટલને આપી દેવાયું છે અને આ યુ.ટી. ભવનની હોટલમાં વીકએન્ડમાં રૂા.16 હજાર અને આડા દિવસે 8 થી 9 હજાર રૂપિયા લેવાતા હોવાનો આરોપ પણલગાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, તમારૂં કચીગામનું ગાર્ડન પણ વેચાઈ ગયું છે અને ગાર્ડનની અંદર કોઈને પણ લારી, ગલ્લાં કે અંદર પ્રવેશ પણ નહીં મળશે એ લખીને રાખજો એવી ખુલ્લી ચેલેન્જ પણ આપી હતી.
દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે દમણ-દીવ અને દાદરા નગર હવેલીને વિધાનસભા અપાવવા, વિધાનસભા નહીં આપવામાં આવે તો દમણ-દીવ અને દાદરા નગર હવેલીને પહેલાંની માફક અલગ અલગ સંઘપ્રદેશ તરીકે જાળવી રાખવા, ટોરેન્ટ પાવરને હટાવવાની માંગણી કરતો ઠરાવ લખવા જણાવ્યું હતું.
પ્રારંભમાં કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ પટેલે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં તેમના 4 વર્ષના કાર્યકાળમાં પંચાયતમાં થયેલા કામકાજના લેખાં-જોખાં રજૂ કર્યા હતા. સેક્રેટરી શ્રી નિખિલ મીટનાએ ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ-2025-‘26 સબકા સાથ સબકા વિકાસ અંતર્ગત લેવાયેલ કામોની જાણકારી આપી હતી.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી દિનેશભાઈ ધોડી, વિકાસ ઘટક અધિકારી શ્રી મિહિર જોષી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.