દમણ જિ.પં.ના સભાખંડમાં મહિલા અને બાળ વિકાસ સચિવ પૂજા જૈને સરપંચો અને જિ.પં.સભ્યો સાથે કરેલી ચર્ચાઃ ઘડેલો એક્શન પ્લાન
લાભાર્થીઓના ઘર સુધી ટેક હોમ રાશન પહોંચે છે કે નહીં તે જોવાની જવાબદારી જન પ્રતિનિધિઓની
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. 24
સંઘપ્રદેશના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા આજે દમણ અને દીવના સરપંચો અને જિલ્લા પંચાયત સભ્યો સાથે ટેક હોમ રાશનની યોજના અને પ્રદેશમાં કુપોષિત બાળકોની વધુ માવજતના સંદર્ભમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કુપોષિત બાળકોની સઘન દરકાર લઈ તેમને પોષણક્ષમ પૌષ્ટિક આહાર આપી પોષિત બનાવવા છેડેલા અભિયાનને સફળ બનાવવા પ્રદેશના મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રીમતી પૂજા જૈને ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.
શ્રીમતી પૂજા જૈને જણાવ્યું હતું કે, દમણમાં કુલ 62 અને દીવમાં 40 આંગણવાડી કાર્યરત છે. દમણમાં છ મહિનાથી 6 વર્ષના બાળકો માટે ટેક હોમ રાશનની વસ્તુઓમાં 6 મહિનાથી 3વર્ષ સુધીના વયજૂથના બાળકો માટે પ્રતિ માસ 1 કિલો ચોખા, 1 કિલો ઘઉં, 500 ગ્રામ મગદાળ, 500 ગ્રામ તુવરદાળ, 500 ગ્રામ મગ, 500 ગ્રામ રાગી અને 500 ગ્રામ રવો મળી કુલ સાડા ચાર કિલો ટેક હોમ રાશન આપવામાં આવે છે. જ્યારે 3 વર્ષથી 6 વર્ષના વયજૂથના બાળકો માટે દર મહિને 1 કિલો ચોખા, 1 કિલો ઘઉં, 500 ગ્રામ દેશી ચણા, 500 ગ્રામ તુવર દાળ, 500 ગ્રામ મગ, 500 રાગી અને 500 ગ્રામ સિંગદાણાની ચીકી આપવામાં આવે છે.
જ્યારે સગર્ભા અને ધાત્રી માતાઓ માટે દર મહિને બે કિલો ઘઉં, બે કિલો ચોખા, 1200 ગ્રામ સિંગદાણાની ચીકી, 500 ગ્રામ તુવરદાળ, 500 ગ્રામ મગ, 1 કિલો મીઠું અને 1 કિલો રાગી મળી કુલ 8.2 કિલોગ્રામ ટેક હોમ રાશન આપવામાં આવે છે.
પ્રદેશના મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રીમતી પૂજા જૈને સરપંચો અને જિ.પં.સભ્યોને પ્રશાસન દ્વારા આપવામાં આવતા ટેક હોમ રાશનનું સામાજિક ઓડિટ કરવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, લાભાર્થી સુધી આ રાશન પહોંચે છે કે નહીં તે જોવાની જવાબદારી જન પ્રતિનિધિઓની છે.
શ્રીમતી પૂજા જૈને પ્રદેશમાંથી કુપોષિત બાળકોની સમસ્યાને નિવારવા સહિયારા પ્રયાસ કરવા હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દમણ અને દીવ જિલ્લાને કુપોષિત બાળકોથી મુક્ત બનાવવાપોતપોતાની પંચાયતમાં અંગત રસ લેવા પ્રતિનિધિઓને ભલામણ કરી હતી.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, દમણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, દમણ જિલ્લાના મહિલા અને બાળ વિકાસ નિર્દેશક શ્રી જતિન ગોયલ, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી મૈત્રી પટેલ, બીડીઓ શ્રી પ્રેમજીભાઈ મકવાણા, આંગણવાડીની કાર્યકર બહેનો, બાલ સેવિકા, મુખ્ય સેવિકા તથા પંચાયતના સરપંચો અને જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.