દમણ અને દીવમાં એક એક મોનિટરીંગ સેન્ટર અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ સ્ટેશન સ્થાપવા કરેલી માંગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.12
આજે લોકસભામાં મોદી સરકાર દ્વારા રજૂ કરાયેલા આપત્તિ વ્યવસ્થાપન સંશોધન(ડિઝાસ્ટર મેનેજમેન્ટ અમેન્ડમેન્ટ) બિલ-2024ને દમણ-દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દમણ અને દીવ અરબ સાગર કિનારે વસેલો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. જેમાં એક પણ મોનિટરીંગ સેન્ટર કે એન.ડી.આર.એફ. યુનિટ નથી. દમણ-દીવને તોફાન સહિતની અન્ય કટોકટીની આફતો વખતે પડોશી કે અન્ય રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ પર નિર્ભર રહેવું પડે છે. તેથી, દમણ અને દીવમાં એક-એક એન.ડી.આર.એફ. સ્ટેશન સ્થાપિત કરવાની જરૂર છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, પડોશના રાજ્ય ગુજરાતના વાપીમાંથી દમણગંગા નદીમાં જંગી માત્રામાં કેમિકલ છોડવામાં આવે છે, જેના કારણે દમણગંગા નદીનું આખું પાણી કાળું થઈ ગયું છે અને આ પાણી આગળ દમણના દરિયાને મળે છે. દરિયાના પાણીમાં પ્રદૂષણને કારણે માછલીઓ મરી રહી છે, જેના કારણે સ્થાનિકમાછીમારો પણ તેમની રોજગારી ગુમાવી રહ્યા છે. તેથી વાપીમાંથી દમણગંગા નદીમાં કેમિકલ છોડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ-દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે લોકસભામાં મોદી સરકાર દ્વારા રજૂ કરાયેલા આપત્તિ વ્યવસ્થાપન સંશોધન(ડિઝાસ્ટર મેનેજમેન્ટ અમેન્ડમેન્ટ) બિલ-2024ને સમર્થન આપતાં આપત્તિ વ્યવસ્થાપન બિલ-2005માં થયેલા સુધારાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં, આપત્તિનો સામનો કરવા અંગે વૈશ્વિક ચર્ચાનું ધ્યાન ધીમે ધીમે ઘટના પછીના નુકસાનને સંબોધવાથી આવી ઘટનાઓની અસરકારક દેખરેખ અને નિવારણ તરફ સ્થળાંતરિત થયું છે, જેનાથી ભારે માનવી સહિત માલમિલકતને ભારે નુકસાન થાય છે. પરંતુ આ આપત્તિઓ હંમેશા તમામ સમુદાયોને અસર કરતી નથી. કેટલાક સમુદાયો અપ્રમાણસર અસરગ્રસ્ત છે. શ્રી ઉમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારતની મુખ્ય ભૂમિ 7516 કિલોમીટર છે. આ જમીનનો 2 હજાર 800 કિલોમીટર અરબી સમુદ્ર સાથે વહે છે. જેમાં 5 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવની જમીનનો સમાવેશ થાય છે. દમણ-દીવ સંસદીય મતવિસ્તારના મોટા ભાગની આજીવિકા માછીમારી પર નિર્ભર છે. જેમાં મોટાભાગના લોકો નાના માછીમારો છે. જેમની પાસે પોતાની બહુ ઓછીમિલકતો છે. પ્રતિકૂળ આબોહવાની સ્થિતિમાં, જાળ ધોવાઈ જવાથી અને બોટોનું સમારકામ ન થવાને કારણે આ માછીમારોને નુકસાન થવાની સંભાવના છે. આ ઘટનાઓની લાંબાગાળાની અસર વધુ ચિંતાજનક છે. કારણ કે મોટા ભાગના માછીમારો આજીવિકા ગુમાવવાથી ફરીથી ઉભરી નથી શકતા.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે ભૂતકાળમાં આવેલા તૌકતે વાવાઝોડાના કારણે થયેલા નુકસાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે યાદ અપાવતાં જણાવ્યું હતું કે, ભારતીય હવામાન વિભાગે દમણ અને દીવને ચક્રવાતના જોખમો માટે અત્યંત સંવેદનશીલ જિલ્લા તરીકે વર્ગીકળત કર્યા છે, પરંતુ દમણ અને દીવમાં કોઈ દેખરેખ કેન્દ્ર(મોનિટરીંગ સેન્ટર) નથી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સનું પણ એકપણ એકમ નથી. જો પ્રતિકૂળ આબોહવાની ઘટનાઓને કારણે દમણ-દીવના કેટલાક રસ્તાઓ બિનઉપયોગી બની જાય તો સમગ્ર વિસ્તારનો પડોશી રાજ્ય સાથેનો સંપર્ક તૂટી શકે છે. આવી સ્થિતિમાં, રાહત અને પુનર્વસનના પ્રયાસો સંપૂર્ણપણે નિષ્ફળ થઈ શકે છે. ભવિષ્યમાં દમણ અને દીવમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે સાંસદ શ્રી ઉમેશ પટેલે કેન્દ્ર સરકાર પાસે દમણ અને દીવમાં એક-એક મોનિટરિંગ સ્ટેશન અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એન.ડી.આર.એફ.) માટેના સ્ટેશનની સ્થાપવા કરવાની માંગકરી હતી.