(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: વલસાડ કાંઠા વિસ્તારના 10 જેટલા ગામોના માછીમારોએ આજે રવિવારે 700 જેટલી બોટ બંધ રાખી સૌરાષ્ટ્રના માછીમારો દ્વારા થઈ રહેલી કનડગત સાથે વિરોધનું બ્યુગલ ફુંક્યું હતું.
વલસાડ કાંઠા વિસ્તારના સેંકડો પરિવારો માછીમારી કરી જીવન નિર્વાહ ચલાવે છે. માછીમારીથી એમનું ગુજરાન ચાલે છે. કેટલાક સમયથી સૌરાષ્ટ્રના માછીમારો વલસાડ સાઈડના નોટીકલ માઈલ વિસ્તારમાં ઘૂસી માછીમારી કરી રહ્યા છે તેથી સ્થાનિક માછીમારોને મોટુ નુકશાન પડી રહ્યું છે. માછીમારી આગેવાનોએ જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાં આ સમસ્યા અંગે સમાધાન થયું હતું. તે વખતે નક્કી કર્યું હતું કે દરિયામાં 12 નોટિકલ માઈલ સુધી વલસાડ ગુજરાતના માછીમારો માછીમારી કરશે પરંતુ આ સમાધાન થોડો સમય ચાલેલું. ત્યાર પછી પૂર્વવત સ્થિતિ દરિયામાં ઉભી થવી શરૂ થઈ હતી. સૌરાષ્ટ્રના માછીમારો 12 નોટિકલ માઈલથી 9 નોટીકલ માઈલ સુધી અંદર ચાલી આવી. માછીમારી કરી રહ્યા છે. આ બાબતેબે દિવસ પહેલાં પણ કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય નિકાલની માંગ કરી હતી. પરંતુ કોઈ નિકાલ નહી કરાતા આજે 700 જેટલી બોટો બંધ રાખી માછીમારોએ વિરોધ શરૂ કરી દીધો હતો. કાંઠા વિસ્તારના 10 ગામોના બે હજાર ઉપરાંત માછીમારો વિરોધના કાર્યક્રમમાં જોડાયા હતા.
