(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.24 : આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપેજિલ્લાના 30 મંડળોના અધ્યક્ષોની જાહેરાત કરી હતી. પરંતુ આ 30 મંડળો પૈકી એક પણ મંડળના અધ્યક્ષ તરીકે મહિલાની નિયુક્તિ કરવામાં આવી નથી. દાદરા નગર હવેલી અને દમણ-દીવની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલાઓ માટે 50 ટકા આરક્ષિત બેઠકો રાખવામાં આવી છે અને હાલમાં સંસદમાં મહિલા અનામતના સંદર્ભમાં નારીશક્તિ વંદન અધિનિયમ પણ પસાર કરી 33 ટકા મહિલા આરક્ષણ સંસદમાં સુરક્ષિત કરવામાં આવ્યું છે. ત્યારે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મંડળના અધ્યક્ષો માટે એક પણ મહિલા નહીં મળતાં આશ્ચર્ય દેખાઈ રહ્યું છે. આવતા દિવસોમાં બાકી રહેલા મંડળોમાં મહિલા પ્રતિનિધિત્વને તક મળે એવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.