(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25 : ગતરોજ એક ઢાબા ઉપરથી ગુજરાત પાસિંગની ગાડીઓમાં ગેરકાયદે દારૂનો જથ્થો ભરી આપવામાં આવતો હોવાની બાતમીના આધારે દાનહ એક્સાઈઝ વિભાગે રેડ પાડી હતી તે દરમ્યાન તેમના ઉપર હુમલો કરી ગાડીઓના કાચ તોડી હૂમલાખોરો ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં એક્સાઈઝ વિભાગ દ્વારા એક્સાઈઝ એક્ટ મુજબ શંકાના આધારે પોલીસ ટીમ સાથે સેલવાસ નગરપાલિકાના કાઉન્સિર મનોજ દયાતના ઘર પાસે બનાવવામાં આવેલ શેડની દીવાલને આજે જેસીબી દ્વારા તોડી નાખવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગતરોજ જે એક્સાઈઝ વિભાગ જે જગ્યા પરરેડ કરવામાં આવેલ તેની નજીક મનોજ દયાતના ભાઈ રાજેશ અને આનંદ નામના વ્યક્તિ ઢાબો ચલાવે છે. ત્યાં થોડે દૂર ગુજરાત પાસિંગની ગાડીઓમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો ભરવામાં આવી રહ્યો હતો, જેની બાતમીના આધારે એક્સાઈઝ વિભાગની ટીમે રેડ પાડી હતી તે સમયે જે લોકો ગુજરાત પાસિંગની ગાડી લઈને આવ્યા હતા તેઓએ એક્સાઇઝ વિભાગના અધિકારીઓ પર પથ્થરો વડે હુમલો કરી દીધો હતો. જેમાં એક્સાઈઝ વિભાગની ગાડીઓને નુકસાન થયું હતું. આ હુમલો કરનાર વ્યક્તિઓ ગાડી અને દારૂનો જથ્થો છોડી ફરાર થઈ ગયા હતા.
આ ઘટના બાદ આજે બુધવારના રોજ સાંજે એક્સાઇઝ વિભાગની ટીમ પોલીસ ફોર્સ સાથે સેલવાસ નગરપાલિકા કાઉન્સિલર મનોજ દયાતના ઘર નજીક બનાવવામાં આવેલ શેડની દીવાલને જેસીબી વડે તોડવા પહોંચી હતી. તે સમયે મનોજે આધિકારીઓ પર આક્રોશ ઠાલવી ત્યાં નજીકમાં મુકેલ ટાઈલ્સના ટુકડાઓને માથામાં મારવા લાગ્યો હતો અને બોલતો હતો કે મને કોઈપણ કારણ વગર સીધો ટાર્ગેટ કરવામાં આવ્યો છે. પ્રશાસન દ્વારા કોઈપણ જાતની નોટિસ આપવામાં આવી નથી અને સીધા જ મારા ઘરને તોડવા આવી ગયા છે.
મનોજ દયાતના જણાવ્યા અનુસાર હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હોવા છતાં અને નગરપાલિકા કાઉન્સિલર પણ છું, ગતરોજ ભાજપ દ્વારા મારી મંડળપ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી છે અને બીજા જ દિવસે પ્રશાસન દ્વારા કોઈપણ જાતની નોટિસ આપ્યા વિના સીધા જ મારા ઘરને તોડવા આવી ગયા છે, જો મારા જેવા નગરપાલિકા સભ્ય સાથે જો પ્રશાસન દ્વારા આવી હરકત કરવામાં આવે તો સામાન્ય માણસની શું હાલત થાય? એ વિચારવા જેવું છે. હાલમાં તો પોલીસે સરકારી કામમાં દખલ કરવાના ગુનામાં મનોજ દયાતની અટક કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
