2024ના પ્રારંભથી દાનહ અને દમણ-દીવનો જોશ અને હોંશનું સમગ્ર રાષ્ટ્રમાં થયેલું વિસ્તરણ
2025ના અંત સુધી દાદરા નગર હવેલી અને દમણ-દીવની તમામ સડકોનું નવઘડતર પૂર્ણ થઈ રસ્તાઓ નવી નવેલી દુલ્હન જેવા સુશોભિત બનશે
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના પ્રભાવશાળી નેતૃત્વ તથા કર્મઠ પ્રયાસોથી દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકોની સુખ-સુવિધા અને સમૃદ્ધિ વધે એવા આયોજનો હાથવેંતમાં
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.31 : દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં આજે 2025ના આગમનને વધાવવા માટે લોકોમાં આનંદ અને ઉત્સુકતા જોવા મળી રહી છે. 2024ની વિદાય અનેક રીતે મહત્ત્વની અને વિવિધ સ્તરે યાદગાર પણ રહેવા પામી છે અને ક્યાંક ક્યાંક કડવી અને તીખી યાદો સાથે વર્ષના છેલ્લા દિવસને લોકોએ બાય બાય કર્યું છે.
2024ના પ્રારંભ સાથે દાદરા નગર હવેલી અને દમણ-દીવનો જોશ અને હોંશ સમગ્ર રાષ્ટ્રમાં વિસ્તર્યો હતો. વિશ્વ ક્ષેત્રે પણ આ ટચૂકડાં કેન્દ્ર શાસિત પ્રદેશની નોંધ લેવાઈ હતી. સમગ્ર દેશ સહિત દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં યોજાયેલ લોકસભાની ચૂંટણી પણ શાંતપૂર્ણમાહોલમાં કાયદો અને વ્યવસ્થાની સઘન સ્થિતિ સાથે યોજવા પ્રશાસન સફળ રહ્યું હતું. મતદારોએ કોઈપણ પ્રકારના ડર અને પ્રલોભન વગર પોતાના મતાધિકારનો પણ પ્રયોગ કર્યો હતો. જેમાં દાદરા નગર હવેલીની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકર વિજેતા બન્યા હતા. તેની સામે દમણ અને દીવ બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર તરીકે શ્રી ઉમેશભાઈ પટેલનો વિજય થયો હતો.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના ઇતિહાસમાં માત્ર 6 મહિનાના સમયગાળામાં દેશના કાયદા ઘડનારી સર્વોચ્ચ પંચાયત સંસદ-લોકસભામાં શ્રી ઉમેશભાઈ પટેલે પ્રદેશના અન્ય પૂર્વ સાંસદો કરતા સૌથી વધુ પ્રશ્નો અને રજૂઆતો કરી વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાવ્યું છે.
2024 સહિત છેલ્લા પાંચ-સાત વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવે આરોગ્ય, શિક્ષણ, સંસ્કાર અને માળખાગત સુવિધાના ક્ષેત્રે ઐતિહાસિક કામો કર્યા છે. ઔદ્યોગિક, પ્રવાસન અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ આ ટચૂકડા પ્રદેશનો રાષ્ટ્ર સહિત વિશ્વમાં પણ ડંકો વાગી રહ્યો છે.
2025ના અંત સુધી દાદરા નગર હવેલી અને દમણ-દીવની તમામ સડકોનું નવઘડતર પૂર્ણ થવાનું છે અને રસ્તાઓ નવી નવેલી દુલ્હન જેવા સુશોભિત બનવાના છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદથી દાદરા નગર હવેલી અને દમણ-દીવ જેવા ટચૂકડાં કેન્દ્ર શાસિતપ્રદેશનું ભવિષ્ય વધુ ને વધુ ઉજ્જવળ બને એવા પ્રયાસો હાથ ધરાયા છે. આવતા દિવસોમાં પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના પ્રભાવશાળી નેતૃત્વ અને કર્મઠ પ્રયાસોથી દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકોની સુખ-સુવિધા અને સમૃદ્ધિ વધે એવા આયોજનો હાથવેંતમાં છે.
ઈસુનું 2025નું વર્ષ દેશની સાથે દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે શુકનિયાળ અને સમૃદ્ધિથી ભરેલું રહે એવી ‘વર્તમાન પ્રવાહ’ અભ્યર્થના રાખે છે.