દાનહ-સેલવાસની મુલાકાત દરમિયાન પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સર્વોત્તમ ગુણવત્તા સાથે નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને કરેલી તાકિદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે દાદરા નગર હવેલીના નરોલી ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા અથાલ બ્રિજ સહિતના નિર્માણાધિન વિકાસ કામોનું નિરીક્ષણ કરી જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ત્રણેય જિલ્લાના સમતોલ અને સર્વાંગી વિકાસ માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સ્વયં માઈક્રો લેવલનું આયોજન કરી મોનિટરીંગ કરતા હોય છે. જેના ભાગરૂપે આજે દાદરા નગર હવેલી જિલ્લામાં કાર્યાન્વિત વિકાસ કામોના સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લઈ ગ્રાઉન્ડ રિયાલીટીનો અભ્યાસ કર્યો હતો.
પ્રશાસકશ્રીએ પોતાની મુલાકાત દરમિયાન વિકાસ પ્રોજેક્ટોમાં ઝીણામાં ઝીણી વસ્તુ બાકાત નહીં રહે અને દરેક કામ સંપૂર્ણ ગુણવત્તા સાથે સમયમર્યાદામાં પૂર્ણ થાય તેની તકેદારી લેવા માટે અધિકારીઓ, એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોને નિર્દેશ આપ્યા હતા.
અત્રે યાદ રહેકે, સેલવાસને સ્માર્ટ સીટીમાં રૂપાંતરિત કરવાનું કામ પણ આખરી ચરણમાં છે અને દાદરા નગર હવેલી જિલ્લાને એક આકર્ષક આધુનિક તથા સુંદર આદર્શ જિલ્લાના રૂપમાં વિકસિત કરવા માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાની તમામ શક્તિ કેન્દ્રિત કરેલી છે.
આજે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રારંભમાં નરોલી પ્રવેશ દ્વારના કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેમણે શહિદ ચોક જંક્શન, નમો હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટયૂટની પણ મુલાકાત લીધી હતી અને જરૂરી દિશા-નિર્દેશો પણ આપ્યા હતા.
પ્રશાસકશ્રીએ કલા કેન્દ્ર, ઝંડાચોક સ્કૂલ, કલેક્ટરાલય, આર.સી.સી. વર્ક-નમો હોસ્પિટલથી કિલવણી નાકા સુધી, સ્માર્ટ સીટી રોડનું નિરીક્ષણ કરી સાયલીમાં પોલીસ અધિક્ષક કાર્યાલય તથા સાયલી સ્ટેડિયમ ગ્રાઉન્ડ અને અન્ય વિકાસ કામોનું પણ નિરીક્ષણ કર્યું હતું.
આવતા દિવસોમાં દાદરા નગર હવેલીની ગણના રાષ્ટ્રના વિકસિત જિલ્લામાં થવાની સંપૂર્ણ સંભાવનાને ધ્યાનમાં લઈ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સ્વયં કોઈપણ પ્રકારની કસર બાકી રાખવા માંગતા નહીં હોવાનું તેમની મુલાકાતથી પ્રતિત થાય છે.