દમણ-દીવ પ્રદેશ કોંગ્રેસે 104 ભારતીય નાગરિકોને 40 કલાક સુધી હાથકડી પહેરાવી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંધિનું અમેરિકાએ કરેલા ઉલ્લંઘનને વખોડી કાઢી જિલ્લા કલેક્ટર મારફત ભારતના રાષ્ટ્રપતિને આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં લઈ યોગ્ય પગલાં ભરવા સરકારને તાકિદ કરવા પાઠવેલું આવેદન પત્ર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : દમણ અને દીવ પ્રદેશ કોંગ્રેસે 104 ભારતીય નાગરિકોને વિમાનમાં 40 કલાક સુધી હાથકડી પહેરાવી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંધિનું અમેરિકાએ કરેલા ઉલ્લંઘનને વખોડી કાઢી જિલ્લા કલેક્ટર મારફત ભારતના રાષ્ટ્રપતિને આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં લઈ યોગ્ય પગલાં ભરવા સરકારને તાકિદ કરવા જણાવાયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ-દીવ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શ્રી કેતનભાઈ પટેલે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં જણાવાયું છે કે, હાલમાં અમેરિકાથી 104 ભારતીય નાગરિકોને દેશનિકાલ કરી તેમની સાથે અમાનવીય કરેલા વ્યવહારની ગંભીર નોંધ લઈ ભારત સરકારને ડિપ્લોમેટિક વિરોધ નોંધાવવા અને અમેરિકન સરકાર પાસે સ્પષ્ટીકરણ કરવા અને માફી માંગવા અનુરોધ કરવા રાષ્ટ્રપતિ સમક્ષ માંગણી કરી છે. પ્રદેશ કોંગ્રેસે અમેરિકા દ્વારા દેશનિકાલ થયેલા ભારતીય નાગરિકોનામાનસિક સામાજિક અને આર્થિક પુનર્વસન માટે સરકાર દ્વારા વિશેષ સહાયક યોજના લાગુ કરવા પણ પોતાનો મત પ્રગટ કર્યો છે.
દમણ અને દીવ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ દમણ જિલ્લા કલેક્ટર મારફત મહામહિમ રાષ્ટ્રપતિને પોતાનું આવેદનપત્ર સુપ્રત કર્યું છે.