-
પહેલા રામ મંદિરનું નિર્માણ અને હવે ખારીવાડ મિટના સમાજ માટે સ્મશાન ભૂમિનું કરેલું ખાત મુહૂર્ત
-
6000 ચો.ફૂટની જગ્યા ખરીદી મિટના સમાજને સ્મશાન ભૂમિ બનાવી દાનમાં આપતા શૌકતભાઈ મિઠાણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ,તા.25
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સર્વધર્મ સમભાવના એક મિશાલ તરીકે પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના અધ્યક્ષ શ્રી શૌકતભાઈ મિઠાણી ઉભરી આવ્યા છે.તેમણે દમણ ખારીવાડના મિટના સમાજ માટે 6000 ચો.ફુટની જગ્યા સાથે સ્મશાન ભૂમિના નિર્માણનું કાર્ય પણ શરૂ કરાવ્યું છે.
દમણ ખારીવાડના મિટના સમાજને મૃતકની લાશના અંતિમ સંસ્કાર માટે ઘણી કનડગત સહન કરવા પડતી હતી. કારણ કે, પરંપરામાં માનનારા મિટના સમાજના બહુમતી લોકો પોતાના પ્રિયજનના અંતિમ સંસ્કાર પોતાની સ્મશાન ભૂમિ સિવાય બીજે કશેય કરવામાં નથી માનતા. જેના કારણે વરસાદના સમયે તેમને ભારે તકલીફનો સામનો કરવો પડતો હતો. આ બાબતની રજૂઆત શ્રી શૌકતભાઈ મિઠાણીને કરવામાં આવી હતી. તેમણે પોતે જગ્યા ખરીદી સ્મશાન ભૂમિ બનાવવા વચન આપ્યું હતું. જે અંતર્ગત આજે 6000 ચો.ફૂટની જગ્યા ખરીદી ત્યાં સ્મશાનના નિર્માણનું કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું છે.
અત્રે નોંધનીય છે કે, મિટનાવાડમાં ભવ્ય રામ મંદિર બનાવવા પણ શ્રી શૌકતભાઈ મિઠાણીએ વચન આપ્યું હતું. જે કાર્ય પણ તેમણે પૂર્ણ કરી ખારીવાડ મિટનાવાડ ખાતે ભવ્ય રામમંદિરનું નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠાનું કાર્ય પણ સંપન્ન થઈ ચૂકેલ છે.
આજે સ્મશાન ભૂમિના નિર્માણના ભૂમિ પૂજનસમયે મિટના સમાજના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ મિટના, ઉપ પ્રમુખ શ્રી કનૈયાભાઈ મિટના, કમિટી સભ્યો શ્રી જિજ્ઞેશભાઈ મિટના, શ્રી ચંપકભાઈ મિટના, શ્રીદિનેશભાઈ મિટના, શ્રી બાવાભાઈ મિટના, શ્રી રમણભાઈ મિટના, શ્રી કેશવભાઈ મિટના, શ્રી ધીરજભાઈ મિટના, શ્રી હરિલાલ મિટના સહિત સમાજના યુવા અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.