(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તાઃ16
ધરમપુર-ખારવેલના મહિલા પશુપાલક શ્રીમતી રમીલાબેન પઢીયાર દ્વારા દૈનિક 550લીટર ઉત્પાદન સાથે ગતવર્ષે રૂા.70.78 લાખ રૂપિયાનું દૂધ ભરાયું હતું.
વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. વસુંધરા ડેરી સંચાલિત નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં હજારોની સંખ્યામાં પશુપાલકો પશુપાલનના વ્યવસાય થકી ઘર આંગણે દૂધ ઉત્પાદન કરી રોજગારી મેળવી આત્મનિર્ભર બનવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
તાજેતરમાં વસુધારા ડેરી સંચાલિત ધરમપુરની ખારવેલ ફળીયા વાંકલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.ના પશુપાલક રમીલાબેન બાબુભાઈ પઢીયાર કે જેઓ દૈનિક 550લીટર દૂધનું ઉત્પાદન સાથે કોરોનાના કપરા સમયમાં પણ વર્ષ 202021માંરૂા.70,78,331/નું દૂધ ભર્યું હતું. જેને લઈને આણંદ અમૂલ ડેરીના કાર્યક્રમમાં ભારત સરકારના ગૃહ અને સહકાર વિભાગના મંત્રી શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, વસુધારા ડેરીના ચેરમેન શ્રી ગમનભાઈ સહિતનાની ઉપસ્થિતિમાં શ્રીમતી રમીલાબેન પઢીયારનું સન્માન પત્ર અને ચાંદીની સ્મૃતિભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રીમતી રમીલાબેન પઢીયાર 59 જેટલી શંકર ગાયો અને 38 જેટલી ભેંસો ધરાવે છે. સાથે વસુધારા ડેરીની શંકર વાછરડી ઉછેર યોજનામાં 38 જેટલી વાછરડીઓનો ઉછેર કરી રહ્યા છે. રાજ્યમાંથી સાત જેટલી મહિલા પશુપાલકોમાં ધરમપુરના ખારવેલ ફળીયા વાંકલ દૂધ ઉત્પાદક મંડળીનું પશુપાલક શ્રીમતી રમીલાબેન પઢીયારનું સન્માન કરાતા વસુધારા ડેરી પરિવારમાં ખુશી સાથે ગૌરવની લાગણી ફેલાવા પામી હતી અને તેમને વસુધારા ડેરીના મેનેજીંગ ડિરેકટર શ્રી નરેન્દ્રભાઈ વશી સહિતનાઓ દ્વારા અભિનંદન પાઠવવવામાં આવ્યા હતા.
