દમણના કલેક્ટરાલય ખાતે જિલ્લા કલેક્ટર તપસ્યા રાઘવે દમણ-દીવના 61મા મુક્તિ દિન નિમિત્તે લહેરાવેલો ત્રિરંગો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.19
દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આજે કલેક્ટરાલય ખાતે દમણ-દીવના 61માં મુક્તિ દિવસની ઉજવણી ખુબજ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર શ્રીમતી તપસ્યા રાઘવે ત્રિરંગો લહેરાવી સભાને સંબોધતા જણાવ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે પણ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને પ્રયાસથી સંઘપ્રદેશે તમામ ક્ષેત્રે વિકાસની ઊંચી ઉડાન ભરી છે. તેમણે જણાવ્યું હતું કે, જમ્પોર રામસેતુ બીચ રોડના નિર્માણ સમયે કોઈને કલ્પના પણ નહીં હતી કે, આ રોડ પ્રવાસીઓ માટે પ્રદેશનું મોખરાનું આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમણે પૂર્ણતાને આરે આવી રહેલા દેવકા સી-ફ્રન્ટ રોડ, મોટી દમણ કિલ્લાના આંતરિક વિસ્તારનો વિકાસ, નવનિર્મિત દમણવાડા, આંબાવાડી, પરિયારી, દાભેલ, રીંગણવાડા, કચીગામ અને ખારીવાડ શાળાનું પણ દૃષ્ટાંત આપ્યું હતું. જિલ્લા કલેક્ટર શ્રીમતી તપસ્યા રાઘવે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લા પ્રશાસન દ્વારા ટ્રાન્સપોર્ટ નગર અને એરપોર્ટ ટર્મિનલનાનિર્માણને અગ્રતાના ધોરણે લેવામાં આવ્યું છે. તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા પ્રશાસન જમીનના દસ્તાવેજોનું ડિજીટીલાઈજેશન કરવા અને કલેક્ટરાલય ખાતે ફરિયાદ પ્રબંધન પધ્ધતિ પણ દાખલ કરવામાં આવી રહી છે.જેના કારણે સામાન્ય લોકોને સમયમર્યાદામાં જિલ્લા પ્રશાસન દ્વારા તેમની ફરિયાદનો નિકાલ સંભવ બનશે.
શ્રીમતી તપસ્યા રાઘવે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દમણ જિલ્લાના સામાન્ય લોકોને પાયાની સુવિધા આપવી અને તેમના અધિકારોનું હનન નહીં થાય તે જોવાની સીધી જવાબદારી જિલ્લા પ્રશાસનની છે. તેમણે સરકારના લાભો છેવાડેના લોકો સુધી પહોંચે તે બાબતે સંઘપ્રદેશ પ્રશાસન સક્રિય હોવાની પણ ખાતરી આપી હતી.
આ પ્રસંગે દમણ અને દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, ગ્રામ પંચાયતોના સરપંચો, જિલ્લા પંચાયતના સભ્યો, કાઉન્સિલરો, વરિષ્ઠ નાગરિકો, વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.