(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.2ર
સેલવાસ ખાનવેલ રોડ પર સામરવરણી ચાર રસ્તા પર ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યુ છે જેના કારણે સાઈડના રસ્તા પર મોટામોટા ખાડાઓ હોવાને કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે એક ઘટનામા દમણનો બાઈક સવાર ત્યાંથી પસાર થઇ રહ્યો હતો તે સમયે અચાનક અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા બાઈક પરથી નીચે પટકાયો હતો અને એના પેટ પરથી ટાયર ફરી વળતા ઘટનાસ્થળ પર જ એનું મોત થયું હતુ.
અમિતસિંગ (ઉ.વ.38) રહેવાસી દમણ જેની પત્ની ગર્ભવતી હતી અને એને દમણ મરવડ હોસ્પિટલમાં દાખલ કરવામા આવી હતી. જ્યા માંના પેટમાં જ બાળકનું મોત થઈ ગયું હતું. પરિવારજનોનો આરોપ છે કે અમિતસિંહની પત્ની રશ્મી સિંહના પેટમાં ઓપરેશન દરમ્યાન કચરો રહી જવાને કારણે એની કીડની પર અસર થતા એને મરવડ હોસ્પિટલથી વિનોબાભાવે સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે લાવવામાઆવી હતી.
મોડી સાંજે 8:30 વાગ્યાના સુમારે અમિતસિંહ એની પત્ની માટે સામરવરણીમાં રહેતા એમના સગાના ઘરેથી ટિફિન લેવા ગયો હતો, તે સમયે પરત હોસ્પિટલ પર એની બાઈક નંબર ડીડી-01-બી-7714પર આવતી વખતે સામરવરણી નજીક જ કોઈ અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા નીચે પટકાતા એના પેટ પરથી ટાયર ફરી વળતા એનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.
ઘટનાની જાણ થતા પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે લાશનો કબ્જો લઇ પીએમ માટે સિવિલ હોસ્પીટલમાં લઇ જવામા આવી હતી. મળેલ માહિતી મુજબ અમિતસિંહ મૂળ રહેવાસી યુપી કાનપુરનો છે અને અહીં લેબર કોન્ટ્રાકટર પાસે નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2021/12/IMG-20211222-WA0019-960x720.jpg)