ડાંગરની કાપમી અંતિમ તબક્કામાં ચાલતી હોવાથીકમોસમી વરસાદ ખેડૂતોને નુકશાન કરાવી જશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13 : હવામાન ખાતાની તા.10 થી 14 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે તેવી આગાહી સાચી ઠરી હતી. વાતાવરણમાં પલટાની સાથે સોમવારે રાત્રે વલસાડ સહિત વાંસદા વિસ્તારમાં કમોસમી વરસાદ પડયો હતો. કમોસમી વરસાદથી જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે.
તામિલનાડુમાં માંડૂસ ચક્રવાતની અસરના પગલે દક્ષિણ ગુજરાતમાં તા.10 થી તા.14 ડિસેમ્બર દરમિયાન કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. તેની અસર સોમવારે રાત્રે વલસાડ સહિત વાંસદા વિસ્તારના ગ્રામ્ય પ્રદેશોમાં કમોસમી વરસાદ પડયો હતો. ત્યારે ડાંગરની કાપણી કેટલાક વિસ્તારોમાં અંતિમ તબક્કાની ચાલી રહી છે. તેથી માવઠાની અસર ડાંગરના પાક ઉપર પડી છે તો શાકભાજી ઉપર પણ કમોસમી વરસાદની આડ અસર સર્જાઈ હોવાથી જગતનો તાત વધુ ચિંતિત બન્યો હતો. વલસાડમાં તિથલ રોડ વિસ્તારમાં રાત્રે અચાનક વરસાદ વરસતા લોકો ચિંતિત બન્યા હતા. આગાહી બાદ છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. સૂર્યપ્રકાશ અદૃશ્ય રહી વાતાવરણ વાદળછાયુ જિલ્લામાં પથરાયેલું રહ્યું હતું.