આવતી કાલ ૪થી જૂનના રોજ ઈવીઍમમાં કેદ થયેલા દાદરા નગર હવેલી અને દમણ-દીવના ભાગ્યનો ફેંસલો થશે. આવતી કાલે જાહેર થનારા લોકસભાના ચૂંટણી પરિણામો અંગે પ્રદેશમાં ભારે ઉત્તેજના અને રોમાંચનો માહોલ છે. દમણ-દીવની બેઠક ઉપર ભાજપના શ્રી લાલુભાઈ પટેલ સળંગ ચોથી ટર્મ માટે વિજેતા બનશે કે પછી કોંગ્રેસના શ્રી કેતનભાઈ પટેલનું ભાગ્ય ચમકશે, અને અપક્ષ શ્રી ઉમેશભાઈ પટેલ જાયન્ટ કિલર સાબિત થઈ પોતાના ચૂંટણી પ્રતિક કૂકરની માફક બધાને બાફી(ચઢાવી) નાંખશે તેના ઉપર ફક્ત સંઘપ્રદેશ જ નહીં પરંતુ દિલ્હી સુધીનું ધ્યાન કેન્દ્રિત છે. દાદરા નગર હવેલીમાં ભાજપના ઉમેદવાર તરીકે શ્રીમતી કલાબેન ડેલકર ઐતિહાસિક જીત મેળવે કે પછી તેમને જીતવા માટે પડકારનો સામનો કરવા પડે તેના ઉપર લોકોનું ખાસ ધ્યાન છે. કારણ કે, શ્રીમતી કલાબેન ડેલકરે પેટા ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર તરીકે પોતાના નજીકના હરિફ ભાજપના શ્રી મહેશભાઈ ગાવિત સામે લગભગ ૫૧ હજાર જેટલા મતોની સરસાઈથી વિજય હાંસલ કર્યો હતો. આ વખતે શ્રીમતી કલાબેન ડેલકરે ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે ત્યારે તેમના મતોની સરસાઈ વધવી જાઈઍ ઍવું સામાન્ય અનુમાન છે. કારણ કે, દાનહ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર શ્રી અજીત માહલા અને અપક્ષ શ્રી દીપકભાઈ કુરાડાની કોઈ રાજકીય હાજરી નહીં હતી, અને શ્રીમતી કલાબેન ડેલકરને આ ચૂંટણીમાં સરળતાથી વિજય નહીં મળશે તો ભાજપ હાઈકમાન્ડે તેમને ટિકિટ આપવા લીધેલો નિર્ણય અપરિપક્વ ગણાશે. સાંસદ તરીકે શ્રીમતી કલાબેન ડેલકરની લોકપ્રિયતામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્ના હોવાનું સામાન્ય લોકોમાં માનવામાં આવતું હતું. પરંતુ ‘જા જીતા વોહી સિકંદર’ની માફક શ્રીમતી કલાબેન ડેલકર જ વિજેતા બને ઍવા પ્રાથમિક તારણો છે. આવતી કાલે જાહેર થનારા પરિણામોમાં પ્રદેશના લોકોની દૃષ્ટિનું પણ પ્રતિબિંબ પડશે. પ્રદેશમાં શરૂ થયેલી વિકાસની રાજનીતિને બહુમતિ લોકો કેવી રીતે મૂલવે છે તેનો પડઘો પણ પરિણામોમાં પડશે. કારણ કે, છેલ્લા ૧૦ વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવની દરેક ક્ષેત્રે પ્રગતિ થઈ છે અને વિકાસની હરણફાળ ભરી છે. ત્યારે પ્રદેશનું આગળનું ભવિષ્ય કેવું રહેશે તેની પરીક્ષા પણ આવતી કાલના પરિણામો કરશે.