વાપી રેલવે ઓવરબ્રીજ, જુના ફાટક અંડરબ્રિજ, બલીઠા અંડરપાસ, જે ટાઈપ ઓવરબ્રીજ તથા બલીઠા ફાટક પુલ ‘જૈસે થે’ની સ્થિતિમાં
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.30: વાપીમાં જે તે સમયે પાંચ જેટલા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ મોટા ઉપાડે કાર્યરત કરવામાં આવ્યા હતા. વાપી વાસીઓ માટેની મહત્ત્વની સુવિધા જેવા વાપી રેલવે ઓવરબ્રિજ, જુના ફાટક અંડરબ્રિજ, બલીઠા અંડરપાસ, જે ટાઈપ ઓવરબ્રિજ અને બલીઠા ફાટક પુલ જેવા પાંચ મહત્ત્વના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં એક રેલવે આરઓબીનું ખાતમુહૂર્ત સી.એમ.ના હાથે થયેલું પરંતુ તંત્રની નિરસતા કે અન્ય ટેકનિકલ કારણોસર વાપીના આ તમામ પાંચ પ્રોજેક્ટની કામગીરી ખોરંભે પડી ગયેલી નિહાળાઈ રહીછે.
વાપીની ભૌગોલિક સ્થિતિના કારણે ટ્રાફિકની સમસ્યા રોજ બેવડાતી રહે છે તેથી જુનો રેલવે પુલ પાડીને 142 કરોડના ખર્ચે નવો પુલ બનાવવાની કામગીરી જે તે સમયે વાજતે ગાજતે શરૂ કરી દેવાઈ હતી. સાથે સાથે પાલિકા દ્વારા જુના ફાટક અંડરપાસની કામગીરી પણ શરૂ કરી દેવાઈ હતી. બીજી તરફ બલીઠા અંડરપાસની 20 કરોડના ખર્ચે કામગીરી શરૂ થઈ હતી. બલીઠા ફાટકનો ઓવરબ્રિજ તો શરૂઆતથી જ ઘોંચમાં પડયો. કામ શરૂ થયું, બંધ થયું હવે ફરી શરૂ થયું છે પણ સ્થિતિ તો એ જ રહી છે. જે ટાઈપ ઓવરબ્રિજનું પણ એવું જ. હાલ તો સુરસુરીયુ થયેલું જણાય છે. 80 ટકા કામગીરી પૂર્ણ થઈ છે છતાં હજુ પ્રગતિ જોવા મળતી નથી. આ તમામ પાંચ પ્રોજેક્ટ ઘોંચમાં પડી રહેલા હોવાથી તેનો ભોગ વાપીની આમ જનતા રોજેરોજ બની રહી છે. અનેક કિલોમીટર ચકરાવો લોકો મારી રહ્યા છે. આ તમામ પ્રોજેક્ટની કોસ્ટ જેટલો તો પેટ્રોલનો લોકો ધુવાડો કરી ચૂક્યા છે. છતાં પણ નજીકના ભવિષ્યમાં સમસ્યાઓમાંથી છુટકારો મળે તેવા અણસાર 2024ના અંત સુધીમાં તો દેખાતા નથી.
—-