જુદી જુદી વિકલાંગતા ધરાવતા 81 જેટલા બાળકોના આરોગ્યની કરાયેલી ચકાસણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ સચિવ શ્રી ટી. અરૂણ અને શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલના માર્ગદર્શમાં શિક્ષા વિભાગ, સમગ્ર શિક્ષા, દમણ અંતર્ગત આજે દમણ જિલ્લાની સરકારી પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિ, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા અને શાળા બહારના દિવ્યાંગ બાળકો માટે આરોગ્ય ચકાસણી શિબિર ચંદ્રશેખર આઝાદ હાઈસ્કૂલ રીંગણવાડા, નાની દમણ ખાતે યોજાઈ હતી. જેમાં શિક્ષણ અધિકારી(ડી.એમ.સી.) શ્રી અરવિંદ પટેલ, જિલ્લા પરિયોજના અધિકારી(સમગ્ર શિક્ષા) શ્રીમતી સ્મિથા થોમસ, સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળા રીંગણવાડા ઈન્ચાર્જ આચાર્ય શ્રી વીરેન્દ્ર પટેલ, જિલ્લા આઈ.ઈ. કો-ઓર્ડિનેટર (સમગ્ર શિક્ષા) શ્રી હિરેન પટેલ તથા શિક્ષા વિભાગના અધિકારીશ્રીઓ તેમજ સરકારી શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો અનેદિવ્યાંગ બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ શિબિરમાં અલીમ્કો(આર્ટિફિશિયલ લીમ્બસ મેન્યુફેક્ચરીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા-અલીમ્કો-મુંબઈ)ના નિષ્ણાત ડૉ. મનુરાજ ભારતી અને શ્રી કુષર સિંગ (ટેક્નિશિયન), શ્રીમતી રબીના સ્વયીન(પી એન્ડ ઓ) દ્વારા જુદી જુદી વિકલાંગતા ધરાવતા 81 જેટલા બાળકોની આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી તથા તેમને વિકલાંગતાના પ્રમાણ મુજબ જુદી જુદી વિકલાંગતા ધરાવતા બાળકોને શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા દમણ દ્વારા જરૂરી સાધન-સહાય આપવામાં આવનાર હોવાનું આયોજકો દ્વારા જણાવ્યું હતું.