February 5, 2025
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

આજે વિશ્વ આદિવાસી દિવસઃ વલસાડ જિલ્લામાં 6 વર્ષમાં રૂ. 460 કરોડના ખર્ચે આદિવાસી સમાજની કાયાપલટ થઈ

  • આદિવાસીઓના હિત અને સરંક્ષણ માટે 29433 દાવાઓ મંજૂર કરી 9353 હેક્ટર જમીન ફાળવાઈ

  • સંતાનો પણ હવે મેડિકલ-એન્જિનિયરિંગ સહિત ઉચ્ચ ડિગ્રી માટે વિદેશમાં અભ્યાસ કરતા થયા

  • ધરમપુર અને કપરાડા તાલુકા સહિત જિલ્લામાં આદિવાસીઓની કુલ વસ્તી 52.93 ટકા

  • આજે 154278 વિદ્યાર્થીઓના બેંક ખાતામાં 17 કરોડની શિષ્યવૃત્તિની રકમ જમા થશે

  • સરકારે સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે સર્વાંગી વિકાસ સાધતા ઉંચી ઉડાન ભરતા વનબંધુઓ

(ખાસ અહેવાલઃ જિજ્ઞેશ સોલંકી)
કોઈપણ સમાજનું પરિવર્તન આપમેળે થતું નથી. તેના માટે નાણાકીય જોગવાઈ પાયાની જરૂરીયાત છે, ગુજરાત સરકારે છેલ્લા 2 દાયકામાં વનબંધુ કલ્યાણ યોજના સહિતના આયોજનબધ્ધ અને વિકાસલક્ષી પગલાં આદિવાસી બાંધવોના કલ્યાણ માટે અમલમાં મુકતા આજે એવું ગર્વભેર કહી શકાય કે, આદિવાસીઓની દશા અને દિશા બંને બદલાઈ છે. સરકારે આદિવાસીઓના જીવન ધોરણમાં બદલાવ આવે તે માટે રહેણાંક મકાનથી માંડીને રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ, ખેતીવાડી, પશુપાલન, પૂરક પોષણ આહાર અને રોજગાર સહિતની વિવિધ સુવિધાઓ આપી તેઓના સર્વાંગી વિકાસ માટે છેલ્લા 6 વર્ષમાં જિલ્લામાં રૂ.460 કરોડ 67 લાખ 98 હજાર ફાળવી આદિવાસી વિસ્તારોમાં 7509 વિકાસના કામો કર્યા છે. આજે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાશે ત્યારે વલસાડ જિલ્લામાં પણ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા શિક્ષણક્ષેત્રે 1,54,278 વિદ્યાર્થીઓને રૂ. 17 કરોડ 99 લાખ 5 હજારની શિષ્યવૃત્તિની સહાય તેમના ખાતામાં જમા કરાશે. આ સિવાય તબીબ સહાય અને કુંવરબાઈ મામેરૂ મળી કુલ 1,55,378 લાભાર્થીઓના ખાતામાં રૂ. 18 કરોડ 50 લાખ 50 હજાર જમા કરાશે.
પ્રકૃતિ સાથે નિકટતા ધરાવતા વનબંધુઓની વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ વલસાડ જિલ્લાની કુલ વસ્તી 17.05 લાખ પૈકી 9.02 લાખ અનુસૂચિત જનજાતિ(આદિવાસી)ઓની છે. ટકાવારીની દ્રષ્ટીએ જોઈએ તો જિલ્લામાં 52.93 ટકા આદિવાસીઓની વસ્તી છે. જેમાં ધરમપુર અને કપરાડા સંપૂર્ણ આદિવાસી તાલુકો કહેવાય છે જ્યારે ઉમરગામ, પારડી, વાપી અને વલસાડમાં પણ આદિવાસીઓની વસ્તી નોંધપાત્ર છે. આદિવાસીઓના વિકાસના પ્રયાસોને વધુ અસરકારક અને વેગવંતા બનાવવા માટે ગુજરાત સરકારે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અમલમાં મુકી હતી. જેમાં પાક કૃષિ, પશુપાલન, ડેરી વિકાસ, મત્સ્યોદ્યોગ, વન નિર્માણ, ગ્રામ વિકાસ, નાની સિંચાઈ, ગ્રામ્ય અને લઘુ ઉદ્યોગ, માર્ગ અને પુલ, નાગરિક પુરવઠો, સામાન્ય શિક્ષણ, તબીબી અને જાહેર આરોગ્ય, પાણી પુરવઠા,શ્રમ અને રોજગાર તેમજ પોષણના કામો કરવામાં આવે છે. જે માટે વર્ષ 2021-22માં રૂ. 43 કરોડ 85 લાખ 84 હજાર ફાળવવામાં આવ્યા હતા જેના થકી વિકાસના 844 કામો કરાયા હતા. જ્યારે ન્યુ ગુજરાત પેટર્નમાં રાજ્ય દ્વારા 10 ટકા ફાળવાતા 2021-22માં જિલ્લા માટે 45 કામો માટે રૂ. 5 કરોડ 28 લાખ 42 હજાર ફાળવવામાં આવ્યા હતા.
જિલ્લાની સરહદ પર આવેલા ગામોના વિકાસ માટે બોર્ડર વિલેજ યોજના અમલમાં મુકાય હતી. જેમાં રસ્તા, આવાસ, આરોગ્ય, સિંચાઈ, પીવાનું પાણી, વીજળી જોડાણ, પ્રાથમિક શિક્ષણ, આંગણવાડી અને બહારગામ ભણવા માટે જતા વિદ્યાર્થીઓ માટે સરકારી બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે જે માટે સરકાર દ્વારા જિલ્લામાં વર્ષ 2021-22માં 23 કામો માટે રૂ. 11 કરોડ 42 લાખ 27 હજાર ફાળવ્યા હતા. સરકાર દ્વારા ફાળવાતી ગ્રાંટનો 100 ટકા ઉપયોગ આદિજાતિ વિભાગની પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા જિલ્લાના આદિવાસીઓના ઉત્કર્ષ માટે કરવામાં આવે છે. જેના કારણે જ આદિવાસીઓનું જીવન ધોરણ તો ઉપર આવ્યું જ છે પરંતુ તેઓના સંતાનો હવે મેડિકલ, એન્જિનિયરિંગ સહિતના ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ પણ જઈ રહ્યા છે.
આદિજાતિનો સર્વાંગી વિકાસ થાય અને જીવન ધોરણ ઉંચુ આવે તે માટે કૃષિ, શિક્ષણ, આરોગ્ય, ડેરી વિકાસ અને આજીવિકાની સુવિધા પુરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કેન્દ્રિય સહાય યોજના હેઠળ છેલ્લા 6 વર્ષમાં રૂ.60 કરોડ 13 લાખ 40 હજારની ફાળવણી થઈ હતી. ફ્રી શીપ કાર્ડ યોજના હેઠળ ધો. 12 પછીના તબીબી, ઈજનેરી સહિતના ઉચ્ચ અભ્યાસ માટે આદિવાસી સમાજના ગરીબ બાળકો કોલેજની ફી ભરી શકતા ન હોવાથી તેઓની ઉચ્ચ અભ્યાસ સુધીની ફી સરકાર ભરી રહી છે. જે યોજના હેઠળ જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 5660 વિદ્યાર્થીઓએ લાભ લીધો છે.
વનવિસ્તારમાં રહેતા આદિવાસીઓ અને પરંપરાગત વનવાસીઓ કે જેઓ પેઢીઓથી વન વિસ્તારમાં રહી વનની જમીનનો ઉપયોગ કરી નિર્વાહ ચલાવે છે પરંતુ તે જમીન પર અત્યાર સુધી તેમની માન્યતા કે અધિકાર નોંધાયેલા નથી. તેઓ વન અને વનની જમીનનો ઉપયોગ કરી શકે તે માટેના અધિકારોને માન્યતા આપવા માટે આદિવાસીઓ અને અન્ય પરંપરાગત વનવાસીઓ માટે વન અધિકાર ધારો-2006 ઘડવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી પરિવારોને રહેઠાણ અને આજીવિકા માટે જમીન ખેડવાનો અને વન વિસ્તારમાં ઘાસ ચરાવવાનો, પીવાનું પાણી, પિયત માટે પાણી, ગૌણવન પેદાશો એકઠી કરી તેનો ઉપયોગ કરવાનો પણ અધિકાર આપવામાં આવે છે. જે મુજબ વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 34167 અરજી પ્રાયોજના વહીવટદારની કચેરીને મળી હતી. જેમાંથી 29433 દાવાઓ મંજૂર કરી 9353 હેક્ટર વન જમીન ફાળવવામાં આવી છે. આ જમીનની સુધારણા, ઉત્પાદકતા વધારવા, પીવાના તેમજ સિંચાઈના પાણીની સુવિધાઓ અને જરૂરી તાલીમ આપવા માટે સરકારે પ્રોત્સાહક અભિગમ રાખી વનવાસી ખેડૂત સશક્તિકરણ યોજના પણ અમલમાં મુકી છે.
આદિવાસી બાંધવોના બાળકોને વિના મૂલ્યે ઉત્તમ અને ગુણવત્તા સભર શિક્ષણ મળી રહે તેવા હેતુથી જિલ્લાના ધરમપુર, કપરાડા અને પારડીમાં કુલ 3 અદ્યતન એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ શાળા અને ધરમપુર, કરચોંડ અને કપરાડામાં 3 સ્થળે કન્યા સાક્ષરતા નિવાસી શાળા મળી કુલ 6 શાળા કાર્યરત છે. જેમાં ધો.6થી 12 (વિજ્ઞાન પ્રવાહ-સામાન્ય પ્રવાહ) સુધીના અંદાજે 2000થી વધુ વિદ્યાર્થીઓ દર વર્ષે શિક્ષણ મેળવી રહ્યા છે. જે શાળાઓનું પરિણામ ખાનગી સ્કૂલોને ટક્કર મારે તેવુ 90 થી 100 ટકા સુધીનું આવી રહ્યું છે. જે ગર્વની બાબત છે. આદિવાસી બાંધવોના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસની પરિણામલક્ષી પ્રતિબધ્ધતાથી ગુજરાતની વિકાસયાત્રા તેજ ગતિથી આકાશને આંબી રહી છે.

જિલ્લામાં આદિજાતિની વિવિધ યોજના હેઠળ છેલ્લા 6 વર્ષમાં ફાળવાયેલી ગ્રાન્ટ

Related posts

પારડી બેંક ઓફ બરોડામાં મહિલાના ખાતામાંથી રપ હજાર ઉપડી ગયા

vartmanpravah

રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનઃવર્સન કેન્‍દ્ર સેલવાસ ખાતે સાધન-સામગ્રીનું કરાયેલું વિતરણ

vartmanpravah

સુશાસન સપ્તાહ અંતર્ગત કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો

vartmanpravah

વાપી સોશિયલ ગ્રુપના પ્રમુખ કિરણ રાવલે 98મી વાર રક્‍તદાન કર્યું

vartmanpravah

વાપી સલવાવ ફાર્મસી કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વિદેશ માટેની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કપરાડાની સરકારી વિનયન કોલેજમાં વોલીબોલ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment