-
પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલનો કોંગ્રેસને વેધક પ્રશ્નઃ દમણ-દીવની આઝાદી બાદ 2014 સુધી દમણ-દીવની હોસ્પિટલ, માર્કેટ, શાળા, પુલ જેવી તમામ ઈમારતોનું નિર્માણ પોર્ટુગલના સમયમાં થયું હોવાનુંકહેવાતુ હતું તો દમણ-દીવની આઝાદી પછી 50 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું?
-
દમણના દરિયા કિનારાનો અકલ્પનીય વિકાસ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને સ્થાનિક પ્રશાસનની સક્રિયતાથી થયો છેઃ સાંસદ લાલુભાઈ પટેલ
-
પ્રદેશ ભાજપ દ્વારા કેટલાક મહાનુભાવોને ‘મોદીક્20′ પુસ્તકની હિન્દી આવૃત્તિની આપવામાં આવેલી ભેટ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : દમણ-દીવના 62મા મુક્તિ દિવસની ઉજવણી પ્રદેશ ભાજપ દ્વારા દમણ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલના નેતૃત્વમાં આન બાન અને શાનથી કરવામાં આવી હતી.
દમણ ભાજપ કાર્યાલય ખાતે આયોજીત સમારંભમાં તિરંગો લહેરાવી પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે જણાવ્યું હતું કે, દમણ-દીવની આઝાદી બાદ 2014 સુધી જ્યારે પણ દમણ-દીવની કોઈ ઈમારત કે રસ્તાની વાત કરતા ત્યારે સાંભળવામાં આવતુ કે, આ પોર્ટુગલના સમયની છે. હોસ્પિટલ, માર્કેટ, શાળા, પુલ જેવી તમામ ઈમારતોનું નિર્માણ પોર્ટુગલના સમયમાં થયું હોવાનું કહેવાતુ હતું. ત્યારે દમણ-દીવની આઝાદી પછી 50 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું? એવો વેધક પ્રશ્ન પણ તેમણે પૂછ્યો હતો.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે જણાવ્યું હતું કે, 2014માં કેન્દ્રમાં મોદી સરકારના ગઠન બાદવિકાસે ઝડપી ગતિ પકડી છે અને હવે કોઈપણ વ્યક્તિ કે પ્રવાસીને પૂછવામાં આવે તો તે તમામ કામોનો શ્રેય ભાજપ શાસિત કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને આપવામાં આવે છે. અહીં થયેલા અઢળક વિકાસના કામોથી આ નાનકડા પ્રદેશને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ક્રમાંકની શ્રેણીમાં મુકાયો છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે ખુબ જ જુસ્સાપૂર્વક જણાવ્યું હતું કે, દીવને જી-20 કોન્ફરન્સના યજમાનની તક મળી છે. જી-20 કોન્ફરન્સમાં વિશ્વના 56 દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે. તેથી એ દિવસ આપણાં દરેક માટે યાદગાર અને ગૌરવપૂર્ણ બની રહેશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે 25મી ડિસેમ્બરે પૂર્વ પ્રધાનમંત્રી ‘ભારત રત્ન’ અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસને સમગ્ર દેશની સાથે દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં પણ સુશાસન દિવસ તરીકે ઉજવવા પ્રદેશના દરેક મંડળોને તાકિદ કરી હતી.
આ કાર્યક્રમમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે જણાવ્યું હતું કે, દમણના દરિયાકિનારાના થયેલા વિકાસની ક્યારેય પણ મેં કે તમે આવી કલ્પના નહીં કરી હતી. અદ્ભૂત થયેલા વિકાસ પાછળ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને સ્થાનિક પ્રશાસનના પ્રશંસનીય પ્રયાસની ભૂમિકા હોવાનું જણાવ્યુંહતું.
આ પ્રસંગે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રભારી શ્રી રઘુનાથ કુલકર્ણીએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન ચરિત્ર ઉપર લખાયેલ પુસ્તક ‘મોદીક્20′ પુસ્તકનું હિન્દી સંસ્કરણ પૂર્વ પ્રદેશ પ્રભારી શ્રી રઘુનાથ કુલકર્ણી, પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા), શ્રીમતી તરૂણાબેન પટેલ, ઘેલવાડના સરપંચ શ્રીમતી હિતાક્ષીબેન પટેલ, પત્રકાર શ્રી પ્રદિપ ભાવસાર તથા ડો. બિજલ કાપડિયાને ભેટ આપવામાં આવ્યું હતું.
પ્રારંભમાં સ્વાગત વક્તવ્ય પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયાએ આપ્યું હતું.
આ પ્રસંગે પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી શ્રી વિવેક દાઢકર, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, દમણ ન.પા.ના અધ્યક્ષ શ્રીમતી સોનલબેન પટેલ, દાનહ જિ.પં.ના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર, શ્રી બી.એમ.માછી સહિત સરપંચો, જિ.પં.સભ્યો, કાઉન્સિલરો, વિવિધ મોર્ચાના અધ્યક્ષો, મંડળના અધ્યક્ષો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.