Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં જુની થયેલી આંબાવાડીના નવીનીકરણ માટે કૃષિ પ્રાયોગિક કેન્દ્ર -બાગાયત ખાતાની પહેલ

મે-જુનમાં ફળ ઉતારી લીધા બાદ અથવા ચોમાસા પછીનો સમય નવીનીકરણ માટે ખૂબ જ ઉપયોગી

નવીનીકરણના ૩ વર્ષ બાદ આંબાના ઝાડ પર કેરીનો પાક લહેરાતો જોવા મળે છે

(વર્તમાન પ્રવાહ ન્યુઝઝ નેટવર્ક)
વલસાડ, તા.19: વલસાડ જિલ્લામાં ઘણી જગ્યાએ આંબાનું વાવેતર ૫૦ થી ૭૦ વર્ષ જૂનું થઈ ગયુ છે. આવી આંબાવાડીઓના વૃક્ષની ઉત્પાદન ક્ષમતા ખુબ જ ઝડપથી ઘટતી રહે છે. આવી ખુબ જ જુની, મોટા ઝાડ ધરાવતી વાડીઓમાં નવિનીકરણ પધ્ધતિનો ઉપયોગ કરવાથી ઝાડની ઉત્પાદન ક્ષમતામાં વધારો જોવા મળે છે. આવા મોટા આંબાઝાડને સંપુર્ણપણે છટણી કરવાની પધ્ધતિને નવીનીકરણ (રીજુવીનેશન) તરીકે ઓળખવામાં આવે છે. મે-જુન માસમાં ફળ ઉતારી લીધા બાદ અથવા ચોમાસા પછીનો સમયગાળો નવીનીકરણ માટે ખૂબજ ઉપયોગી છે.
સામાન્ય રીતે આંબાવાડીના નવીનીકરણની પધ્ધતિમાં મુખ્યત્વે જયાંથી થડ ઉપર ડાળીઓની શરૂઆત થાય છે એવી ડાળીઓને છેક નીચેથી સંપુર્ણ રીતે કાપવામાં આવે છે. આંબાઝાડની ૩ થી ૪ મીટર ઉચાઈએ છટણી કરવામાં આવે છે. ચોમાસાની ઋતુ અને ઝાડના વિકાસને ધ્યાનમાં રાખી આંબાઝાડને ઓકટોબર – નવેમ્બર માસમાં છત્રી આકારે છટણી કરવા ભલામણ કરવામાં આવે છે. છટણી કર્યા બાદ તુરંત કાપેલ ડાળી પર ફૂગ નાશક દવા કોપર ઓકસીકલોરાઈડ અથવા બોર્ડોપેસ્ટ લગાવવી ખૂબજ જરૂરી છે. છટણી કર્યા બાદ આંબાવાડીમાં ઉડી ખેડ કરી હળવુ પિયત આપવુ.જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં જયારે નવી પિલવણી નીકળવા માડે ત્યારે ઝાડ દીઠ ૧.૨૫ કિલો યુરીયા સાથે ૧૦૦ કિલો છાણિયુ ખાતર આપવુ. જૂન માસમાં ચોમાસા દરમ્યાન કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ ખાતરો આપવા. નવી ફૂટેલ કુંપણોમાંથી જુસ્સાવાળી ડાળી અને રોગ મુકત ચાર થી પાંચ ડાળીઓ બધી દિશાઓ તરફ્ની મળીને પસંદ કરીને ઝાડનો સમતોલ આકાર આપી શકાશે.

નવીનીકરણ બાદ આંબાના ઝાડનું આયુષ્ય ૨૦ થી ૨૫ વર્ષ વધી જાય છેઃ સંશોધન વૈજ્ઞાનિક

પારડી તાલુકાના પરિયા સ્થિત કૃષિ પ્રાયોગિક કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડો. ડી.કે.શર્માએ જણાવ્યું કે, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત વર્ષ જિલ્લાના ૩૦૦ હેકટર વિસ્તારમાં ખેડૂતોની આંબાવાડીમાં આંબાના ઝાડનું નવીકરણ માટે નિદર્શન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૧૦ વર્ષથી સમયાંતરે ખેડૂતોને આ બાબતે તાલીમ અને માર્ગદર્શન પણ આપવામાં આવે છે. ૩ વર્ષ અગાઉ ૧૫૦ ઝાડનું નવીનીકરણ કરાયું હતુ જેમાં અત્યારે વ્યવસાયિક ધોરણે ફળ આવવાના શરૂ થઈ ગયા છે. એક વાર નવીનીકરણ કર્યા બાદ આંબાના ઝાડનું આયુષ્ય ૨૦ થી ૨૫ વર્ષ જેટલુ વધી જાય છે. હાલમાં જ પરિયા ખાતે કેમ્પમાં ૧૫૦ ઝાડનું નવીનીકરણ કરાયું છે.

કેનોપી મેનેજમેન્ટ સહાય યોજના હેઠળ ખેડૂતોને ૬૫ થી ૭૫ ટકા સુધીની સહાય ચૂકવાશે

વલસાડ બાગાયત વિભાગના નાયબ બાગાયત નિયામક એન.એન.પટેલે જણાવ્યું કે, આંબાની જુનીવાડીનું નવીનીકરણ કરવા માટેની સહાય યોજના કાર્યરત છે, જે મુજબ આંબાના જુના બગીચાઓનું નવીનીકરણ/નવસર્જન કેનોપી મેનેજમેન્ટ કરવા માટે રૂ.૪૦,૦૦૦/ હેક્ટરની યુનિટ કોસ્ટ સામે સામાન્ય ખેડૂતને ખર્ચના ૬૫% મુજબ રૂ.૨૬,૦૦૦ પ્રતિ હેકટર અને અનુ જાતિ અને અનુ. જનજાતિના ખેડૂતને ૭૫% મુજબ રૂ.૩૦,૦૦૦ પ્રતિ હેકટરની સહાય ૨.૦ હેકટર વિસ્તારની મર્યાદામાં મળવાપાત્ર છે. આ યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓનલાઈન કરેલી અરજીની પ્રિન્ટ નકલ જરૂરી સાધનિક કાગળો સાથેની અરજી સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, શ્રમજીવી વિદ્યામંડળ સંકુલ,પહેલો માળ, એચ.ડી.એફ.સી.વલસાડ બેંક શાખાની સામે, તિથલ રોડ,વલસાડ-૩૯૬૦૦ ટેલીફોન નંબર-૦૨૬૩૨-૨૪૩૧૮૩ ખાતે જમા કરાવવાની રહેશે.

Related posts

વલસાડમાં વડાપ્રધાનશ્રીના જન્‍મદિવસ પ્રસંગે બે દિવસીય યોગ શિબિર યોજાઈ

vartmanpravah

વાપીમાં ગ્રોથ ક્રાફટ ટ્રેનિંગ સોલ્‍યુસન તાલીમ સુવિધા કેન્‍દ્રનો પ્રારંભ

vartmanpravah

સેલવાસ બાવીસા ફળિયા ખાતે આવેલ મદ્રેસામા મૌલાના વિરુદ્ધ દુષ્‍કર્મની ફરિયાદ નોંધાઈ

vartmanpravah

દાનહમાં હવે ચાલ માલિકોએ ભાડૂઆતોની નોંધણી ઓનલાઈન કરવી પડશે : એક્ષપર્ટ દ્વારા મોબાઈલ એપના ઉપયોગની આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ દ્વારા આયોજિત ‘‘દે ઘુમાકે-2023” આંતર શાળા ક્રિકેટ પ્રતિયોગિતા સંપન્ન

vartmanpravah

વાપીમાં ટ્રાફિક સમસ્‍યા પેચીદી બને તે પહેલાં પોલીસે એક્‍શન માસ્‍ટર પ્‍લાન કાર્યરત કર્યો

vartmanpravah

Leave a Comment